ફતેવાડી કેનાલમાં ગતરોજ 3 યુવક ડૂબ્યા હતા, 2 યુવકના મૃતદેહ મળી આવ્યા
Live TV
-
ગઈકાલે સાંજે અમદાવાદની ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકતા ત્રણ યુવકો ડૂબ્યા હતા. જે પૈકી બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક યુવકની હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે. યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી નામના યુવકનો મૃતદેહ મળ્યો છે. જયારે એક યુવક હજુ પણ લાપતા છે.
યક્ષ ભંકોડિયા, યશ સોલંકી, ક્રિશ દવે નામના યુવકો કાર સાથે કેનાલમાં તણાયા હતા. રિલ્સ બનાવવા માટે યુવકો સ્કોર્પિયો ભાડે લાવ્યાનો ખુલાસો થયો છે. 3500 રૂપિયામાં હિમાલયા મોલ પાસેથી સ્કોર્પિયો ભાડે લાવ્યા હતા અને મૌલિક જાલેરાએ 4 કલાક માટે કાર ભાડે લાવીને આપી હોવાનો ખુલાસો કર્યો હતો. હૃદય વયાંતા, ધ્રુવ સોલંકી, ઋતાયું સોલંકી કાર લઈને કેનાલ પર પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી જ યશ, યક્ષ અને ક્રિશ દવે કેનાલ પર હાજર હતા.
એક જાણકારી અનુસાર, તણાયેલા ત્રણેય યુવક ધોરણ 11 માં અભ્યાસ કરતા હતા. તેઓ ટ્યુશન જવાનું કહી બહાર નીકળ્યા હોવાનો પરિવારજનો દાવો કરી રહ્યા છે. એટલું જ નહીં ત્રણેય યુવાનોના મિત્ર જેમ્સ રાઠોડનો દાવો છે કે, ગાડી યક્ષ ચલાવી રહ્યો હતો અને બ્રેકના બદલે એક્સીલેટર ઉપર પગ દબાવી દેતા ગાડી કેનાલમાં ખાબકી હતી. જોકે વિરાજસિંહ રાઠોડ નામના યુવકે દોરડું નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. યક્ષને કાર ચલાવતા ન આવડતી હોવાનો પણ મિત્રએ દાવો કર્યો હતો. 3500 રૂપિયા ચાર કલાકના ચૂકવી ગાડી ચલાવવા અંગે પરિવારના સભ્યો જ અજાણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તમામ સવાલોના જવાબ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.