Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ નડિયાદમાં મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સાક્ષર નગરી નડિયાદમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી સન્માન કરવા માટે તેમની બેઠક સુધી સામે ચાલીને ગયા હતા અને ઋજુતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આયુષમાન ભારત યોજના હેઠળ પીએમ જય કાર્ડનું વિતરણ કર્યું હતું.

    નડિયાદની ધરતી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, જાણીતા સાક્ષરો શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી અને બકુલભાઇ ત્રિપાઠી, મણીલાલ દ્વિવેદી જેવા અનેક માનવરત્નોનું આઝાદીના અમૃત કાળે મુખ્યમંત્રીએ સ્મરણ કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ શ્રીમદ્દ રાજશ્ચંદ્રવજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પણ નડીયાદની ભૂમિ પણ કરી હોવાનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.

    દેશના અમૂલ્ય વારસાની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હી સ્થિત અક્ષરધામ પ્રદર્શની ઘણા લોકોએ જોઇ હશે, તેમાં ભારતના ભવ્ય અને દિવ્ય ભૂતકાળની ઝાંખી આપવામાં આવી છે. જે બાબતોને સમગ્ર દુનિયા અનુસરી રહી છે, તે બાબતો ભારત છેલ્લા પાંચ હજાર વર્ષથી અપનાવી રહ્યું છે.

    કોરોના મહામારી દરમિયાન આપણા ઘરગથ્થુ ઇલાજો કેટલાક લાભકારી છે, તે બાબતનો ખ્યાલ આવ્યો હતો. આપણી પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ કોરોના મહામારીમાં ઘણી અસરકારક સાબીત થઇ હતી. આ પદ્ધતિને ગ્લોબલ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્રીય આયુષ મંત્રાયલના સહયોગથી જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની સ્થાપના કરી છે.

    સમય સાથે સરકાર લોકસેવા પદ્ધતિમાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ કરેલા બદલાવનું ઉક્ત ઉદાહરણ છે, તેમ કહેતા પટેલે કહ્યું કે, ઘણી વખત કુદરત પણ પરિવર્તન માટે આપણને સંકેત આપે છે. કોરોના  મહામારીમાં ઘણા દેશોએ પોતાની પ્રજાને રામભરોસે છોડી દીધી હતી, ત્યારે આવા કપરાકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મૂળમંત્રને ધ્યાને રાખી દેશના નાગરિકોને કોરોના સામે રક્ષણ માટે ૨૦૦ કરોડ ડોઝ વિનામૂલ્યે આપી સુરક્ષા કવચ પૂરૂ પાડ્યું છે, તેની સાથે કોઇ ભૂખ્યુ ના સુવે તે માટે ગરીબોને મફત અનાજ આપી ક્ષૃધાતૃપ્તિનો યજ્ઞ આજ સુધી ચલાવ્યો છે.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ અને દુનિયામાંથી આયુર્વેદિક ચિકિત્સા માટે મહાગુજરાત સોસાયટી સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવે છે. જે રોગનો ઇલાજ કોઇ સ્થળે ના હોય તેવા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવે છે. જે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની સિદ્ધિ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

    મગનભાઇ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા બદલ મુખ્યમંત્રીએ સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા.

    આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં આવશે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હર ઘર તિરંગા અભિયાન છેડ્યું છે. દેશ અને રાજ્યની સાથે ખેડા જિલ્લાના નાગરિકો પણ ઘરે ઘરે તિરંગો ફરકાવી માં ભારતીનું અને આપણા રાષ્ટ્રધ્વજનું યશગાન કરે, એવું આહ્વાન તેમણે કર્યું હતું.

    કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે સ્વ.મગનભાઈ દ્વારા નડિયાદ જિલ્લામાં કરાયેલા સખાવતી કાર્યો ત્યાગીને ભોગવી જાણવાના સૂત્રને સાકાર કરે છે. ગરીબ લોકોની સેવા હેતુ સેવાભાવના ધ્યેય સાથે જ અહીં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને આજે તે જનસેવાનું કેન્દ્ર બની છે. ત્યારે આ હોસ્પિટલને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો તે સમગ્ર નડિયાદ માટે આનંદની વાત છે. વધુમાં તેમણે કોરોના કાળમાં આ હોસ્પિટલ દ્વારા કરાયેલી સરાહનીય સેવા બદલ સમગ્ર હોસ્પિટલ સ્ટાફને બિરદાવ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ અને સૌનો વિકાસના સૂત્રને યાદ અપાવતા ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ નડિયાદ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી અને સરકારના સતત પ્રયત્નથી આરોગ્યનું સ્તર સુધર્યું છે અને નવી નવી યુનિવર્સિટીઓની સ્થાપનાથી રાજ્યના યુવાનો વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવી રહ્યા છે.

    સરદાર પટેલની જન્મભૂમિ નડીયાદમાં નવી આયુર્વેદિક યુનિવર્સિટીના આગમનથી હર્ષની લાગણી વ્યક્ત કરતા મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈએ વિકાસમાં શિક્ષણના મહત્વને અમૂલ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનો ફાળો હંમેશા વિશેષ રહ્યો છે અને ગુજરાત સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અને વ્યવસાયિક અભ્યાક્રમો થકી યુવાનો ચેતનવંતા અને ઊર્જાવાન બન્યા છે. તેમણે પ્રધાનમંત્રીની પ્રેરણાથી બનેલી નવી શિક્ષણનીતિને રાષ્ટ્ર વિકાસમાં સીમાચિહ્નરૂપ બની રહેશે, તેવો વિશ્વાસ કર્યો હતો.

    ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે ખાનગી યુનિવર્સિટીઓ થકી યુવાનો વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધા કરવા માટે સક્ષમ બન્યા છે તેમણે ઉમેર્યું કે કોરોના કાળ પછી આયુર્વેદનું મહત્વ વધ્યું છે ત્યારે નડિયાદમાં નવી આયુર્વેદિક યુનિવર્સિટીનું અનેકગણું મહત્વ છે. નવી યુનિવર્સિટીમાં નવા સમયની માંગ પ્રમાણે વિવિધ પ્રકારના અને ઉંડાણ પૂર્વકના સંશોધન થવાનો અવકાશ રહેશે અને વિવિધ બીમારીઓની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર ઉપલબ્ધ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply