મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાંખી કાપડની થેલી મેળવી મશીનનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મા ઉમિયા સંસ્થાન દ્વારા આયોજિત ધજા મહોત્સવ પ્રારંભ અને દાતાઓના સન્માન અવસર માટે ઉંઝાની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે ઉમિયા માતાજી મંદિર ખાતે કાપડની બેગ વેન્ડીંગ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાંખી કાપડની થેલી મેળવીને આ મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું.
મુખ્યમંત્રીના દિશાદર્શનમાં રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે અનોખી પહેલ શરૂ થઈ છે. આ પહેલના ભાગરૂપે, રાજ્યના મહત્વના ધાર્મિક સ્થળો પર પ્લાસ્ટિકની થેલીના ઉપયોગ વિકલ્પરૂપે પર્યાવરણ અનુકૂળ કાપડની થેલીના પ્રસાદ માટે અનોખા વેન્ડીંગ મશીન મૂકવામાં આવ્યા છે.
અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, તથા ઇસ્કોન મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળો પર આવા મશીનો મૂકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે.
મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ મશીનોના માધ્યમથી કાપડની થેલીના ઉપયોગને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ થયું છે.
આ મશીનમાં 5 રૂપિયાનો સીક્કો નાખી ઓટોમેટિક મશીન દ્વારા દર્શનાર્થીઓને ખૂબ જ ઓછા ભાવે કાપડની થેલી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આગામી સમયમાં બોર્ડ દ્વારા આ પ્રકારના વધુ મશીન સમગ્ર રાજ્યમાં મૂકવાનું પણ આયોજન છે.