મુખ્યમંત્રી 1 સપ્ટેમ્બરના રોજ ધ્રોલથી ખેડૂત હિતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણ કરશે
Live TV
-
રાજ્યમાં કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને સહાય માટેની યોજના હેઠળ આર્થિક સહાયનું વિતરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આગામી 1 સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી ખેડૂત હિતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણના કાર્યક્રમો યોજાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી રાજ્યમાં સાબરકાંઠા, ગીર-સોમનાથ, કચ્છ, મહેસાણા, વલસાડ અને આણંદ એમ કુલ છ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત છે. રાજ્યમાં પોરબંદર, અરવલ્લી, પંચમહાલ અને નર્મદા ખાતે વધુ નવા ચાર સેન્ટર ઓફ એક્સેલેન્સ આકાર લઈ રહ્યા છે. અમદાવાદ, ખેડા અને જામનગર ખાતે કુલ રૂ.3,116 લાખના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ ઉભા કરવામાં આવી રહ્યા છે.
આ સેન્ટરો ખાતે નવીન તકનિકો માટે નિદર્શન એકમો, રક્ષિત ખેતીના એકમો જેમ કે, પોલી હાઉસ-નેટ હાઉસ-પ્લગ નર્સરી વગેરે, તાલીમ ભવન અને વહીવટી સંકુલ, પેક હાઉસ, કોલ્ડ ચેઇનને લગત એકમો તથા માતૃ બ્લોક અને હાઇટેક નર્સરી જેવા એકમો ઉપલબ્ધ હશે. વિશ્વ સ્તરીય ખેત પેદાશો તેમજ પ્રોસેસ્ડ પ્રોડક્ટની માંગને પહોંચી વળવા બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન(FPO)ને માળખાકીય સુવિધા પૂરી પાડવા રૂ.2,500 લાખના ખર્ચે બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ એમ કુલ પાંચ જિલ્લામાં પ્રાઈમરી પ્રોસેસીંગ યુનિટ ઉભા કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)નું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂ.3,00,000 તથા અનુ.જન.જાતિ અને અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂ.4,50,000ની સહાય આપવામાં આવશે. કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં બાગાયતી ખેતીમાં વધુ ઉત્પાદન તથા ઉચ્ચ ગુણવત્તા મળી રહે અને રાજ્યના ખેડૂતો એકસાથે મોટા વિસ્તારમાં આધુનિક બાગાયતી ખેતી કરતા થાય તે માટે બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના વિવિધ સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણમાં સહાય એમ વિવિધ ઘટકોમાં વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ રૂ.50 લાખ સુધીની સહાય અપાશે.
