રાજયના 124 તાલુકામાં મેઘમહેર, જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Live TV
-
રાજ્યમાં ચોમાસું ધીમે- ધીમે વેગ પકડતું જાય છે. રાજ્યના 86 તાલુકાઓમાં આજે મેઘ સવારી જોવા મળી છે. છેલ્લા 6 કલાકમાં જૂનાગઢના માણવદરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ અને તાપીના દોલવાણમાં સાડા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો નવસારીના ખેરગામ અને વાંસદામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના વણથાલી અને માલિયા વલસાડના વાપી તથા નવસારીના ગણદેવી અને ઉમરગામમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જિલ્લાના દિયોદર તાલુકામાં 8 ઇંચ ડીસા અને અમીરગઢ માં 5-5 ઇંચ, વાવમાં ત્રણ ઇંચ, જ્યારે જિલ્લા મથક પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, તો કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી.
તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ અનેક તાલુકામાં નોધપાત્ર વરસાદ થયો છે. પોશીના વિજયનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ થતાં સ્થાનિક લોકો સહિત કિસાન આલમમાં ભારે ખુશી ફેલાઇ છે. સાથોસાથ રાજસ્થાન સહિતના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરમતી અને હરણાવ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે.
