રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા સૂચના
Live TV
-
આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે, અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં નવસારી, અને વલસાડમાં ભારે તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે. 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ અને ભાવનગરમાં જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને ખેડા જીલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. 10 અને 11 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. દેવભૂમિ દ્વારકામાં આગામી 10 અને 11 ઓગસ્ટના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તેમજ નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઇ છે, તથા જીલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
