રાજ્યમાં વર્ષ 2024-25 માં બાલવાટિકાથી ધોરણ 12 સુધી 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ
Live TV
-
સૌથી વધુ અમદાવાદ શહેરમાં કુલ 37 હજાર તો બનાસકાંઠા જિલ્લામાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકરી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ
રાજ્યમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2024-25 માં બાલવાટિકાથી ધોરણ 12 સુધી 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.વર્ષ 2024-25 માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37 હજાર તેમજ બનાસકાંઠા જિલ્લામાં 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. જ્યારે સુરત મહાનગરપાલિકાના કુલ 22 હજાર 892 વિદ્યાર્થીઓ, વડોદરા મહાનગરપાલિકામાં કુલ 10 હજાર 602 વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 6 હજાર 204 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ગુજરાત સરકારની આ પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વમાં વધુ વેગવંતી બની છે.
રાજ્યમાં સરકારી શાળાઓમાં ગુણવત્તાયુકત શિક્ષણ અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓના પગલે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમતના મેદાન અને પોષણયુક્ત મધ્યાહન ભોજન તેમ જ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ જેવી સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
“સૌ કોઈ ભણે” ના ધ્યેયમંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે બજેટમાં વૃદ્ધિ પણ કરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકારે કુલ રૂપિયા ૫૫,૧૧૪ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે.
