રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની 17મી શ્રૃંખલાનો આજે અંતિમ દિવસ
Live TV
-
શાળા પ્રવેશોત્સવ 2022ના અંતિમ દિવસે મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે સિગ્નલ સ્કૂલ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો તેમજ મેમનગર ખાતે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરાવ્યું..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે સિગ્નલ સ્કૂલના બાળકોનો કરાવ્યો શાળા પ્રવેશોત્સવ..
ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા વૃત્તિ કરતાં વંચિત - ગરીબ બાળકો માટે ભિક્ષા નહીં શિક્ષાનો અભિગમ અપનાવી એક પણ બાળક શિક્ષણ મેળવવાથી બાકાત ન રહે તેવું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટીસ અરવિંદકુમાર તેમજ મેયર કિરીટ પરમારની ઉપસ્થિતીમાં સિગ્નલ સ્કુલનાં 139 જેટલા બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને અનોખો શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હવે આ તમામ બાળકો મુખ્યધારામાં સામેલ થઇને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પુરતું શિક્ષણ મેળવશે. આ તમામ બાળકોને સ્કુલબેગ, ચોપડા સહિતની કીટ પણ મુખ્યમંત્રી અને મુખ્ય ન્યાયમૂર્તિના હસ્તે આપવામાં આવી હતી.
અમદાવાદ મેમનગર ખાતે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું..
અમદાવાદમાં આજે કન્યા કેળવણી શાળા મહોત્સવ "શાળા પ્રવેશોત્સવ" અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મેમનગર ખાતે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોને શૈક્ષણિક સ્કૂલ કીટનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. તેમની પ્રેરણાથી આજે પણ શાળા પ્રવેશોત્સવમાં નાના ભૂલકાઓ ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રવેશ મેળવી રહ્યા છે. કાર્યક્રમમાં અમદાવાદના મેયર કિરીટ સોલંકી સહિત કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
