Skip to main content
Settings Settings for Dark

વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 7,000 CCTV સ્થાપિત, બીજા તબક્કામાં નાના શહેરોને પણ આવરી લેવાશે

Live TV

X
  • બીજા તબક્કામાં 51 ટિયર-3 શહેરોમાં 10 હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં 6,200થી વધુ ગુનાઓ ઉકેલાયા, 7 કરોડની રકમ રિકવર થઇ અને 950થી વધુ લોકોની ધરપકડ કરવામા આવી

    ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે રાજ્યભરમાં સીસીટીવી સ્થાપિત કરવાના વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. વર્ષ 2020માં આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. રાજ્ય સરકાર હવે આ પ્રોજેક્ટના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે. નાના શહેરોમાં પણ આ પ્રોજેક્ટ વિસ્તારિત કરવામાં આવશે. બીજા તબક્કામાં ટિયર -3 શ્રેણીના 51 શહેરોમાં 10 હજારથી વધુ CCTV સ્થાપિત કરવામા આવશે. જે માટે ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ શરૂ કરવામા આવી છે અને 2023ના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામા આવશે.

    2013-14માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી CCTV કેમેરા આધારિત વ્યવસ્થા ઉભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું. તેના આધારે મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિશ્વાસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જે રાજ્યના 34 જિલ્લા હેડક્વાર્ટર, 41 શહેરો અને 6 આધ્યાત્મિક સ્થળો (સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, પાવાગઢ અને ડાકોર) તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરૂ કરવામા આવ્યો હતો.

    વિશ્વાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. CCTV ના દ્રશ્યોનું મોનિટરીંગ જિલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કેન્દ્રમાં થાય છે જેને ‘નેત્રમ’ કહેવામાં આવે છે.

    આ પ્રોજેક્ટ અંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવા, ગુનાઓના ડિટેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશ્વાસ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે. સરકારે યોગ્ય પ્લાનિંગ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળોએ CCTV લગાવીને સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત કામગીરી કરી છે. આગામી દિવસોમાં વિશ્વાસ પ્રોજેક્ટનો વ્યાપ નાના શહેરો સુધી વિસ્તરાવામા આવી રહ્યો છે. જેનાથી લોકોને વધુ સુરક્ષા અને સવલતો મળી રહેશે.

    વિશ્વાસ પ્રોજેક્ટની સફળતા

    CCTV દ્વારા આ પ્રકારની વ્યવસ્થાના લીધે 2018થી 2021 સુધીમાં રોડ અકસ્માતમાં 19.09 ટકા સુધીનો ઘટાડો થયો છે. ટ્રાફિક નિયમનની વાત છે, ત્યાં સુધી 13 જુન 2022 સુધીમાં રૂ. 55,20,80,100ના મૂલ્યના 15,32,253 ઇ-ચલણ ઇશ્યૂ કરવામા આવ્યા હતા. ઇ-ચલણની પ્રક્રિયા પેમેન્ટ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનની મદદથી સંપૂર્ણ પારદર્શક અને સરળ બનાવવામા આવી છે. સીસીટીવી સર્વેલન્સ અને ચલણ પ્રણાલીના લીધે રોડ બિહેવિયરમાં પણ બદલાવ જોવા મળ્યો છે. બોડીવોર્ન કેરા અને ડ્રોન કેમેરાના લીધે મર્યાદિત પોલીસ સંખ્યામાં પણ મોટા પાયે કામગીરી શક્ય બની છે અને કામગીરીમાં પારદર્શિતા આવી છે.

    ટેક્નોલોજીથી સજ્જ

    CCTV સર્વેલન્સમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સોફ્ટવેર છે. જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નીશન, રેડ લાઇટ વાયલેશન ડિટેક્શન, ચોરાયેલા વાહનો માટેની એલર્ટ સિસ્ટમ છે.  જેના દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ, નડતરરૂપ પદાર્થોની ઓળખ, ભીડની ઓળખ, લોકોની ગણતરી, કેમેરા સાથે ચેડાં વગેરે સરળતાથી ઓળખી શકાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે કુલ 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા આપવામા આવ્યા છે.

    સરકારની મહત્વપૂર્ણ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે અને તેના દ્વારા રાજ્યના નાગરિકોનું કામ સરળ બન્યું છે અને સમયની બચત થઇ રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, સુશાસન માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આગામી દિવસોમાં 200 પ્રકારની ઓનલાઇન સેવાઓ ગામડાઓ સુધી પહોંચે તેના માટે કામગીરી થઇ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply