'વીર સાવરકર તરણ સ્પર્ધા'ના ઈનામી રકમમાં આગામી સમયમાં વધારો કરવા રાજ્ય સરકાર તત્પર છે: રમત-ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી
Live TV
-
આ સ્પર્ધામાં વિજેતા થનારને યુરોપની ઈંગ્લીશ ચેનલમાં યોજાતી તરણ સ્પર્ધામાં ભાગ લેવા સીધી એન્ટ્રી મળે છે.
રમત-ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં દર બે વર્ષે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત વીર સાવરકર તરણ સ્પર્ધાના ઈનામી રકમમાં આગામી સમયમાં વધારો કરવા રાજ્ય સરકાર તત્પર છે, જે અંગેની પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
મંત્રીએ તરણ સ્પર્ધા અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા પુરુષ સ્પર્ધકો માટે ચોરવાડથી વેરાવળ સુધી તેમજ મહિલા સ્પર્ધકો માટે આગ્રાથી વેરાવળ સુધી યોજવામાં આવે છે. જેમાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના વિવિધ રાજ્યોના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. વર્ષ ૨૦૨૨ અંતિત યોજાયેલ છેલ્લી સ્પર્ધામાં કુલ ૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનારને યુરોપની ઈંગ્લીશ ચેનલમાં યોજાતી તરણ સ્પર્ધામાં ભાગ લેવા સીધી એન્ટ્રી મળે છે.
મંત્રીએ રાજ્યમાં અમલી 'યુવા ઉત્સવ કાર્યક્રમ' વિશે માહિતી આપતા રાજ્યના યુવાનોમાં રહેલી પ્રતિભાને જાગૃત કરવા વર્ષ ૧૯૬૮થી 'યુવા ઉત્સવ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ અંતર્ગત સાંપ્રત સામાજિક મુદ્દાએ અંગે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સમૂહ સંગીત, લોકનૃત્ય, સાશ્ત્રીય સંગીત વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાજ્યના યુવાનો ભાગ લે છે. છેલ્લા બે વર્ષમાં વડોદરા, પાલનપુર અને અમરેલી જિલ્લા ખાતે રાજ્યકક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કર્ણાટક ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘યુવા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર કક્ષાની સ્પર્ધામાં રાજ્યના ૭૪ યુવાનોએ ભાગ લીધો હતો.