સુપ્રસિદ્ધ સોમનાથ ખાતે 17 જૂને યોગોત્સવનું આયોજન, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા લેશે ભાગ
Live TV
-
ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે અને તેના ભાગરૂપે, આયુષ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના ઉપલક્ષ્યમાં કાઉન્ટડાઉન કાર્યક્રમોનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ભારત સરકારનાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલય અંતર્ગતનાં પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) તેમજ ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ સંઘ (GCMMF)ના સહયોગથી 17 જૂન, 2022ના રોજ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ ધામ ખાતે IDY-2022 કાઉન્ટડાઉન કાર્યક્રમ ‘યોગોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. યોગોત્સવની મુખ્ય થીમ યોગ્ય 'જીવનશૈલી અને પોષક આહાર સાથે યોગ' રાખવામાં આવી છે.
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. અરબી સમુદ્રની પૃષ્ઠભૂમિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પરિસંકુલમાં યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી આ યોગ સત્રમાં ભાગ લેશે અને તેમની સાથે જુનાગઢ, અમરેલી તેમજ રાજકોટના હજારથી પણ વધારે દૂધ ઉત્પાદક ખેડૂતો પણ યોગ કરવા માટે જોડાશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા અન્ય મહાનુભાવોમાં ગુજરાત રાજ્ય મંત્રી, પશુપાલન અને ગાય-સંવર્ધન, દેવાભાઇ માલમ, સાંસદ (જુનાગઢ- ગીર, સોમનાથ) રાજેશ ચુડાસમા અને ભારત સરકારના પશુપાલન અને ડેરી ઉદ્યોગ સચિવ અતુલ ચતુર્વેદી પણ સામેલ છે. આ કાર્યક્રમનો પ્રારંભ કિર્તીદાન ગઢવી દ્વારા લોકસંગીતના કાર્યક્રમ ‘ડાયરા’ સાથે થશે. આ કાર્યક્રમના ભાગરૂપે NDDB દ્વારા તૈયાર કરવામાં આવેલું ગોબર ગેસનાં કચરામાંથી બનેલું જૈવિક ખાતર અને શિશુસંજીવનીને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ વિભાગ દૂધ અને ડેરી ઉત્પાદનોને મહત્વપૂર્ણ આવશ્યક પોષક તત્વોના સારા સ્રોત અને લગભગ સંપૂર્ણ ખોરાક તરીકે પ્રોત્સાહન આપીને આરોગ્ય અને સુખાકારી માટે જન આંદોલન તરીકે IDY-2022 ની પ્રવૃત્તિઓમાં વધુ લોકોને લાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ દ્વારા આવા જ કાઉન્ટડાઉન કાર્યક્રમોનું આયોજન ઉત્તરાખંડમાં ગંગા ઘાટ, ઋષિકેશ અને તમિલનાડુમાં કન્યાકુમારી ખાતે વિવેકાનંદ રૉક મેમોરિયલ ખાતે પણ કરવામાં આવી રહ્યું છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. સંજીવ કુમાલ બલયાન, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન પણ યોગોત્સવમાં હાજર રહેશે અને તેઓ અનુક્રમે ઋષિકેશ અને કન્યાકુમારી ખાતે યોજાનારા કાર્યક્રમોમાં ડેરી ખેડૂતો સાથે યોગ સત્રમાં ભાગ લેશે.
