હાથશાળ દિવસ નિમિત્તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન
Live TV
-
હાથશાળ કલા ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા દર વર્ષે 7મી ઓગસ્ટને “રાષ્ટ્રીય હાથશાળ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. હાથશાળ કલાના મહત્વને સમજીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015થી હાથશાળ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી.
રાષ્ટ્રીય હાથશાળ દિવસની ગુજરાતમાં ઉજવણી
ગુજરાત હાથશાળ કલાને પ્રોત્સાહિત કરવા તા. 7મી ઓગસ્ટના રોજ “રાષ્ટ્રીય હાથશાળ દિવસ”ની ઉજવણી કરશે. આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર ઉપરાંત રાજ્ય બહાર બોરીવલી-મુંબઈ ખાતે હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે યોજાનાર પ્રદર્શન અને ઉજવણી કાર્યક્રમ દરમિયાન નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોનું સન્માન કરવામાં આવશે. સાથે જ, ગરવી ગુર્જરી એમ્પોરીયમના સ્ટાફ માટે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન (NID) દ્વારા તૈયાર કરાયેલા નવા યુનિફોર્મનું પણ લોન્ચીંગ કરવામાં આવશે.
રાજ્ય સરકારે આ વર્ષે 3,200થી વધુ હાથશાળ કારીગરોને આપી રોજગારી
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ચાલુ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના 3200 જેટલા હાથશાળ કારીગરો પાસેથી પટોળા, ટાંગલીયા, આશાવલી સાડી, વુલન શાલ, સ્ટોલ, દુપટ્ટા, વીવીંગ ચાદરો, વીવીંગ ચોરસા જેવી હાથશાળની બનાવટોની ખરીદી કરીને કારીગરોને રૂ. 690 લાખથી વધુની રોજગારી પૂરી પાડી છે. જ્યારે, ગત વર્ષ 2023-24માં પણ ૨૩૫૦ હાથશાળ વણકરો પાસેથી રૂ. 680 લાખથી વધુની હાથશાળ બનાવટોની ખરીદી કરી હતી.વર્ષ 2023-24માં હાથશાળ બનાવટોનું ઐતિહાસિક વેચાણ
હાથશાળ વણકરોને બજાર પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા તેમની પાસેથી તૈયાર માલની ખરીદી કરવામાં આવે છે. નિગમ દ્વારા ગત વર્ષ 2023-24 દરમિયાન હાથશાળ અને હસ્તકલાનું છેલ્લા ૫૦ વર્ષના ઇતિહાસમાં સૌથી મહત્તમ રૂ. 25 કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે, જે વર્ષ 2022-23ના વેચાણની સરખામણીએ બમણું હતું.ગુજરાતની પ્રખ્યાત હાથશાળ બનાવટોને મળ્યું GI ટેગ
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના દરેક જિલ્લાની ઓછામાં ઓછી એક પ્રોડક્ટનું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વેચાણ વધારીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના મુખ્ય હેતુ સાથે શરુ થયેલી આ યોજનામાં પાટણના પટોળા, સુરેન્દ્રનગરનું ટાંગલીયા, મહેસાણાની સદી હાથવણાટ, ગાંધીનગરની આશાવલી સાડી, પોરબંદરના વુલન બ્લેન્કેટ અને દેવભૂમિ દ્વારકાની હાથશાળ શાલ જેવી વિવિધ હાથશાળ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટાંગલીયા વણાટ, કચ્છી શાલ, પાટણના પટોળા, ઘરચોળા અને ભરૂચ સુજની જેવા હાથશાળ વણાટને ભારત સરકાર દ્વારા જી.આઈ ટેગ (GI Tag) આપવામાં આવ્યું છે.હાથશાળ વણકરોનો કૌશલ્ય વિકાસ
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા હાથશાળ કારીગરોના કૌશલ્યમાં વધારો કરવા વિવિધ ક્રાફ્ટના પાંચ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. હાથશાળની બનાવટોમાં બજારની માંગ અનુસાર નવી-નવી ડીઝાઇન અને વેલ્યુએડેડ આઇટમો ઉપરાંત કલર કોમ્બીનેશનને ધ્યાને રાખી ડીઝાઇન ડેવલપમેન્ટના કુલ 18 વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાથશાળ કારીગરોને રાજ્ય બહાર ઉત્પાદિત થતી હાથશાળની આઇટમોનું રૂબરૂ નિદર્શન કરાવવા માટે શૈક્ષણિક પ્રવાસનું પણ રાજ્ય સરકાર આયોજન કરે છે.હાથશાળ કામગીરીમાં મહિલાઓની ભાગીદારી 70 ટકા
હાથશાળ કલા-કારીગીરીનું એક એવું ક્ષેત્ર છે, જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરી રહ્યું છે. હાથશાળ કામગીરીમાં જોડાયેલા તમામ કામદારો પૈકી 70 ટકા મહિલાઓ છે. ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરમાં હાથશાળ-વણાટનું અનેરું મહત્વ છે. એટલા માટે જ, ગુજરાત સરકાર રાજ્યના હાથશાળ વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેકવિધ પહેલો કરી રહી છે. પરિણામે આજે ગામડાઓમાં પરંપરાગત કલા-કારીગરી વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે અને આ વ્યવસાય સાથે જોડાયેલા કારીગરો પણ સ્વાવલંબી બની રહ્યા છે.