Skip to main content
Settings Settings for Dark

NDA ગઠબંધને ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા

Live TV

X
  • વર્ષ 2000માં ઝારખંડની રચના થઈ ત્યારથી પાંચ વર્ષનો કાર્યકાળ (2015-2021) પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ હતા.

    ભાજપની આગેવાની વાળા NDA ગઠબંધને ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. નવી દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યુ હતું કે, પ્રથમવાર એક મહિલા આદિવાસી ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભાજપ સંસદીય દળે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે 20 જેટલા નામો પર ચર્ચા કરી હતી અને પૂર્વ ભારતના કોઇ આદિવાસી અને મહિલા નેતાને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો હતો. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, દ્રૌપદી મુર્મુએ પોતાનુ જીવન સમાજની સેવા અને ગરીબો-દલિતોની સાથે સાથે વંચિતોને સશક્ત બનાવવામાં સમર્પિત કર્યુ છે. મને વિશ્વાસ છે કે, તેઓ આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ હશે. તો બીજી તરફ વિપક્ષે પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે.

    દ્રૌપદી મુર્મુ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. વર્ષ 2000માં ઝારખંડની રચના થઈ ત્યારથી પાંચ વર્ષનો કાર્યકાળ (2015-2021) પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ હતા. ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તેઓ ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. તેમને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેમના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા હતા.

    વર્ષ 1997માં તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે ક્યારેય પણ પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મુ વર્ષ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે, મુર્મુ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા હતા. રાજકારણમાં જોડાતા પહેલા દ્રૌપદી મુર્મુએ શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું.

    દ્રૌપદી મુર્મુએ વર્ષ 2002 થી 2009 અને ત્યારબાદ 2013માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી અને ઓડિશામાં ભાજપના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા પણ આપી છે. ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, તેમણે માર્ચ 2000થી ઓગસ્ટ  2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે અને  ઓગસ્ટ 2002થી મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ રાજ્ય માટે સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો.

    વર્ષ 2007માં, તેમને ઓડિશા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને નીલકંઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ભાજપના મયુરભંજ જિલ્લા એકમનું નેતૃત્વ કર્યું અને ઓડિશા વિધાનસભામાં રાયરંગપુર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. દ્રૌપદી મુર્મુ ભાજપના આદિવાસી મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

    વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply