લેબનાનમાં એક સાથે 1000 પેજરમાં થયા બ્લાસ્ટ, 11નાં મોત, 2700થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Live TV
-
મંગળવારે લેબનોનમાં એક સાથે એક હજારથી વધુ પેજર્સ વિસ્ફોટ થયા. પેજર વિસ્ફોટથી લેબનોન હચમચી ગયું છે. 17 સપ્ટેમ્બરે થયેલા આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ઓપરેટિવ્સના હજારો પેજર્સ એક સાથે વિસ્ફોટ થયા. લેબનોનના આરોગ્ય પ્રધાને રાજ્ય મીડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને 2,700થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો.
લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ તેને દુશ્મનો દ્વારા બનેલી ઘટના ગણાવી જે અગાઉ ક્યારેય બની ન હતી. સમગ્ર લેબનોનમાં લગભગ એક જ સમયે "હેન્ડહેલ્ડ પેજર્સ વિસ્ફોટ" થયા, જેમાં ઘણા હિઝબોલ્લા લડવૈયાઓ ઈજાગ્રસ્ત થયા.
હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર લગાવ્યો આરોપ
મોટાભાગના પેજર વિસ્ફોટો બેરુતના દહીહ, ટાયર, નાબાતીહ અને દક્ષિણ લેબનોનમાં મારજાયુન અને બેકામાં થયા હતા. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, 2,750 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જેમાંથી 200ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને ડોકટરોનો સમાવેશ થાય છે.આ વિસ્ફોટો બપોરે 3:45 વાગ્યા પછી એક કલાક સુધી ચાલુ થયાં હોવાના અહેવાલ છે. લેબનોનના આરોગ્ય પ્રધાનના જણાવ્યાં અનુસાર, કેટલાક વિસ્ફોટ સુપરમાર્કેટ જેવા વધુ ભીડવાળા વિસ્તારોમાં પણ થયા હતા.
ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ થયા ઈજાગ્રસ્ત
લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. પેજર બ્લાસ્ટ માટે આતંકી સંગઠન હિઝબુલ્લાએ ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલાં જ હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહે પોતાના લડવૈયાઓને સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી.નસરુલ્લાએ કહ્યું કે ઈઝરાયેલ પાસે સ્માર્ટફોનને હેક કરવાની કે તેમાંથી માહિતી કાઢવાની ટેક્નોલોજી છે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર, હિઝબુલ્લાએ સંદેશાવ્યવહારના માધ્યમને સુધારવા માટે સ્માર્ટફોનને બદલે પેજરનો આશરો લીધો હતો. અને આ પેજરો અનેક નિર્દોષ જીવોના દુશ્મન બની ગયા.
પેજર્સ તાઈવાનના છે
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે યુએસ અને અન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાએ તાઈવાનની એક કંપની પાસેથી પેજર અને બીપરનો ઓર્ડર આપ્યો હતો. તેમાં ખૂબ જ ઓછી માત્રામાં વિસ્ફોટક મૂકવામાં આવ્યા હતા. આ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબનોનમાં આયાત કરાયેલ તાઇવાન બનાવટના પેજરના નવા બેચની અંદર વિસ્ફોટક સામગ્રી છુપાવીને ઇઝરાયેલે મંગળવારે હિઝબોલ્લાહ સામેની તેની ઝુંબેશને વેગ આપ્યો હતો.હિઝબુલ્લાહ હમાસને સમર્થન આપી રહ્યું છે
હાલમાં ઈઝરાયેલની સેનાએ આ ઘટનાક્રમ પર ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે હમાસે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ પછી ગાઝામાં યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં હિઝબુલ્લાએ તેના સહયોગી હમાસના સમર્થનમાં ઈઝરાયેલ વિરુદ્ધ હુમલા કર્યા હતા.