લેબેનોનમાં પેજર બ્લાસ્ટમાં 11ના મોત, 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Live TV
-
લેબેનોનમાં પેજરમાં થયેલા વિસ્ફોટે બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધીમાં આ સિરિયલ બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે 4000 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત છે.
પેજર્સને હેક કરીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બધા વચ્ચે આપણને એક સવાલ અચૂક થાય કે દુનિયા ટેક્નોલોજીની દુનિયામાં ગળાકાપ સ્પર્ધા કરી રહી છે ત્યારે અહીં લોકો પેજર કેમ ઉપયોગમાં લઇ રહ્યા છે? તો જવાબ છે કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વએ તેના લડવૈયાઓને સંદેશાવ્યવહાર માટે મોબાઈલ અથવા ઈન્ટરનેટને બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેની પાછળનું કારણ એ છે કે ઇઝરાયેલ આર્મી અને મોસાદ સતત હિઝબુલ્લાહ લડવૈયાઓના લોકેશન પર નજર રાખે છે. પેજરની ખાસિયત એ છે કે તેનું લોકેશન ટ્રેક કરી શકાતું નથી.
પેજર એટલે શું?
આશરે 30 થી 50 કિલોમીટર અંતરની મર્યાદામાં બહારથી આવતા, કોઈ વ્યક્તિને ટેલિફોન કરવા માટેની સૂચના કે તેના દ્વારા આપવામાં આવતા ટૂંકા સંદેશાને કાળા અક્ષરોવાળા લખાણમાં અંકિત કરતું એક નાનકડું આધુનિક ઈલેકટ્રોનિક ઉપકરણ. તે ફક્ત એકતરફી કામ આપે છે, એટલે કે પેજધારક બહારથી આવતું સૂચન કે સંદેશો મેળવી શકે છે, પરંતુ પોતાના પેજર દ્વારા બહાર મોકલી શકતો નથી.પેજર હજુ પણ શા માટે વપરાય છે? તો પેજરની એક વિશેષતા એ છે કે તે મોબાઈલ નેટવર્ક વગર પણ કામ કરે છે, જેના કારણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેથી, આજે પણ તેની જરૂરિયાત અને ઉપયોગિતા કેટલાક વિસ્તારોમાં રહે છે.