અયોધ્યામાં ભક્તો હવે નિયમિત રીતે કરી શકશે ભગવાન રામના દર્શન, બનાવાયા ખાસ પાસ
Live TV
-
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં રહેતા શ્રદ્ધાળુઓ માટે નવી સુવિધા શરૂ કરી છે. ટ્રસ્ટે રામ જન્મભૂમિ મંદિરમાં દરરોજ દર્શન કરવા માટે સંત-મહંત અને સ્થાનિક લોકોને પાસ આપવાનો નિર્ણય કર્યો છે. પાસ માટે, સ્થાનિક રહેવાસીઓએ આધાર કાર્ડ સાથે નોંધણી કરાવવી પડશે. આ પછી છ મહિના માટે પાસ આપવામાં આવશે.
રોજના દર્શન કરવા માટે તમારે તમારું આધાર કાર્ડ લાવવું પડશે અને ફોર્મ ભરીને તમે પરવાનગી પત્ર મેળવી શકો છો. ઓફિસ સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સલામતી સંબંધિત તમામ કાયદાઓનું પાલન કરવું પડશે. જેમ કે તમે તમારી સાથે મોબાઈલ ફોન લઈ જઈ શકશો નહીં સાથે જ પૂજા સામગ્રી, પ્રસાદ, મીઠાઈ, દીપક, ધૂપ, અગરબત્તી વગેરે લઈને પ્રવેશ કરી શકશો નહીં.
જે સંતો, મહાપુરુષો કે ભક્તો પાસે પરવાનગી પત્ર હશે તેઓ રોજના દર્શન માટે એકલા જઈ શકશે. એન્ટ્રી ડી-1 થી જ રહેશે. એકવખત બનાવવામાં આવેલો પરવાનગી પત્ર 6 મહિના માટે માન્ય રહેશે. તેને છ મહિના પછી રિન્યુ કરવાનો રહેશે. રોજિંદા દર્શનના નામે પરમિટ લેવામાં આવ્યા પછી જો મહિનામાં માત્ર એક કે બે વાખત જ દર્શન કરવા આવશે તો પાસ રદ થઈ શકે છે. એડમિટ કાર્ડ ધારકે દૈનિક દર્શન સમયે પોલીસ ચેકિંગ બૂથ પર કાર્ડ બતાવવાનું રહેશે.
નોંધનીય છે કે નવનિર્મિત મંદિરમાં ભગવાન રામના અભિષેક બાદ વધતી ભીડ અને વહીવટી વ્યવસ્થાના કારણે સ્થાનિક લોકોને નિયમિત દર્શનને માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે સ્થાનિક સંતો-મહંતોએ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ફરિયાદ નોંધાવી હતી. હવે ટ્રસ્ટે રામનગરીના સ્થાનિકોની સુવિદ્યાને ધ્યાનમાં રાખીને નિયમિત દર્શન માટે પાસની સુવિદ્યાનું નિર્ણય લીધો છે.