અયોધ્યા: યજ્ઞશાળામાં મહાયજ્ઞ યોજાયો, અસ્થાયી મંદિરમાં ભગવાન રામના દર્શન કરવાનો આજે છેલ્લો દિવસ
Live TV
-
આવતીકાલથી 22 જાન્યુઆરીથી ભક્તો માટે દર્શન બંધ રહેશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. અયોધ્યામાં ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડના નિરીક્ષણમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનુષ્ઠાન ચાલી રહ્યું છે. આજે અનુષ્ઠાનનો ચોથો દિવસ છે અને 21 જાન્યુઆરી સુધી આ અનુષ્ઠાન ચાલશે. આજે અયોધ્યામાં યજ્ઞશાળામાં મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. આ યજ્ઞમાં અરણિમંથનમાંથી અગ્નિ પ્રગટ થઈ છે. તે પહેલા ગણપતિ તથા દેવતાઓની પૂજા, દ્વારપાળ દ્વારા તમામ શાખાનું વેદપારાયણ, દેવપ્રબોધન, ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ, કુંડપૂજન, પદ્મભૂસંસ્કાર કરવામાં આવ્યા છે. ગુરુવારના રોજ ગર્ભગૃહમાંથી ભગવાન રામની બાળસ્વરૂપ મૂર્તિની પહેલી તસવીર સામે આવી હતી. આ મૂર્તિ 21 જાન્યુઆરી સુધી જીવનદાયી તત્ત્વોથી સુવાસિત કરવામાં આવશે.
અયોધ્યામાં અસ્થાયી મંદિરમાં ભગવાન રામના દર્શન કરવાનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલથી 22 જાન્યુઆરીથી ભક્તો માટે દર્શન બંધ રહેશે. હજારોની સંખ્યામાં રામભક્ત અયોધ્યા પહોંચી રહ્યા છે અને જયશ્રી રામના નારા ગુંજી રહ્યા છે. તંત્ર તરફથી શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચશે અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની માહિતી મેળવશે.