કાનપુરના ચમનગંજ વિસ્તારમાં બિલ્ડીંગમાં લાગી આગ, એક જ પરિવારના 5ના મોત
Live TV
-
કાનપુરના બિલ્ડિંગમાં લાગેલી આગને 70 ફાયર ફાઇટરોએ 7 કલાકમાં બુઝાવી..માતા-પિતા અને 3 પુત્રીઓએ આ વિકરાળ આગમાં પોતાના જીવ ગુમાવ્યા, જૂતાની ફેક્ટરીમાં આગે તબાહી મચાવી.
ઉત્તર પ્રદેશના કાનપુરના ચમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ નગરમાં રવિવારે રાત્રે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના પાંચ સભ્યોના દુઃખદ મોત થયા છે. મૃતકોમાં માતા-પિતા અને તેમની ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. આગ બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં લાગી હતી અને પછી ત્રીજા-ચોથા માળે ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની કુલ 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં લગભગ 7 કલાક લાગ્યા. લખનઉથી SDRFની ટીમ પણ રાત્રે 1:30 વાગ્યે પહોંચી હતી. 10 ફાયરબ્રિગેડના 70થી વધુ ફાયર ફાઇટરોએ આગ બુઝાવવામાં લાગ્યા હતા.
આગ લાગવા પાછળનું કારણ અકબંધ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ પહેલા બેઝમેન્ટ(ભોંયરા)માં લાગી હતી અને પછી માત્ર 20 મિનિટમાં ચોથા માળે પહોંચી ગઈ હતી. આગ લાગ્યાના થોડા સમય પછી બિલ્ડિંગમાં ત્રણ મોટા વિસ્ફોટ થયા હતા, જે સિલિન્ડર બ્લાસ્ટને કારણે થયા હોવાની શંકા છે. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ધીમે ધીમે ફાયર એન્જિનની સંખ્યા વધતી ગઈ અને કુલ 10 વાહનો આગ ઓલવવામાં રોકાયા હતા. ફેક્ટરીમાં ડેંડ્રાઇટ કેમિકલ અને જૂતાના તળિયા ચોંટાડવા માટે વપરાતું પેટ્રોલ હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી વધુ વધી ગઈ હતી. જેના કારણે આગ વારંવાર ભડકી રહી હતી. ધુમાડાને કારણે ફાયર ફાઇટર્સને બિલ્ડિંગમાં પ્રવેશવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, પોલીસે સાવચેતીના ભાગ રૂપે નજીકની 6 બિલ્ડિંગો ખાલી કરાવી અને ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. ઘટનાની તપાસ ચાલુ છે અને આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ અને ફાયર વિભાગ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે.