ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ કર્યો
Live TV
-
ચૂંટણી પંચે 6 રાજ્યોના સચિવને હટાવ્યા છે, તેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તરાખંડના શૈલેશ બૌલી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ સામેલ છે. વધુમાં, મતદાન પેનલે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક, રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીની બદલીનો નિર્દેશ આપ્યો હતો.
મુખ્ય ચૂંટણીઓ પહેલા ECI દ્વારા કરવામાં આવતી નિયમિત પ્રક્રિયામાં મિઝોરમમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવ કે લાલથોમવિયા અને હિમાચલ પ્રદેશમાં રાકેશ કંવરની બદલીનો પણ સમાવેશ થાય છે. તો મળતી માહિતી મુજબ, IAS એ.કે.રાકેશને અધિક મુખ્ય સચિવનો ચાર્જ આપવામાં આવ્યો છે.
બંગાળના ડીજીપી રાજીવ કુમાર ઉપરાંત ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ સંજય પ્રસાદ, બિહારના ગૃહ સચિવ આમિર સુભાની, ઝારખંડના ગૃહ સચિવ અમિતાભ કૌશલ, હિમાચલના ગૃહ સચિવ અભિષેક જૈન અને ઉત્તરાખંડના ગૃહ સચિવ શૈલેષ બગૌલીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં લોકસભા ચૂંટણી દેશભરમાં 7 તબક્કામાં યોજાશે અને પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. 16મી માર્ચે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરીને ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે મતદારોને ખાસ અપીલ કરી હતી અને શક્ય તેટલું વધુ મતદાન કરવા વિનંતી કરી હતી. દેશભરમાં 43 દિવસ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે. 4 જૂને મતગણતરી થશે.