દેશમાં અત્યાર સુધી 25 કરોડ 31 લાખથી વધુ લોકોને કોવિડની રસી અપાઈ
Live TV
-
દેશમાં અત્યાર સુધી 25 કરોડ 31 લાખથી વધુ લોકોને કોવિડની રસી લગાડવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 34 લાખ 84 હજાર 239 લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં ઝડપથી કોવિડ રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારના રસીકરણ અભિયાનમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સહયોગ મળી રહ્યો છે. આ દરમ્યાન કોરોના વેક્સિનનો બગાડ થતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર રાજયોને તેના પ્રભાવી ઉપયોગની સલાહ સતત આપી રહી છે. વેક્સિનનો બગાડ જેટલો ઓછો થશે તેટલા વધુ લોકોને વેક્સિન આપી શકાશે. રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે કે દરેક રસીકરણ સત્રમાં ઓછામાં ઓછા 100 લોકોને રસી આપવામાં આવે તો રસીનો બગાડ થતો અટકાવી શકાય છે. મંત્રાલયે કહ્યું છે કે, વેક્સિનના ફાયદાઓ અંગે ગ્રામીણ અને જનજાતીય વિસ્તારોમાં જાગૃતિ વધારવાની જરૂરિયાત છે. એક તરફ કોરોનાની રસી આપવાના આંકડા સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોનાનાં કેસોમાં નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં દૈનિક પોઝિટિવ કેસનો દર ઘટીને 4.25% થયો છે.
