પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ધુંઆધાર પ્રચાર, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં જનસભા સંબોધી
Live TV
-
ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી NDAના ઉમેદવારોના સમર્થનમાં જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રીએ દેવભૂમિ ઉત્તરાખંડના ઋષિકેશ અને રાજસ્થાનના કરૌલીમાં જનસભા સંબોધી હતી. ઋષિકેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં મજબુત સરકાર છે જેના કારણે ભારતનો ત્રિરંગો યુદ્ધ ક્ષેત્રમાં પણ સુરક્ષાની ગેરેન્ટી બની રહ્યો છે. સાથે જ ભાજપ સરકારના કારણે સામાન્ય વર્ગના ગરીબોને પણ 10 ટકા અરક્ષણ મળે છે. વધુમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સરકારના કાર્યકાળ વનરેન્ક, વન પેન્શન યોજના અમલમાં આવી શકી ન હતી, પરંતુ મોદી સરકારની ગેરેન્ટીના કારણે આજે તે શક્ય બન્યું છે. સાથે તેમણે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. તો ઉત્તરાખંડમાં યાત્રાળુઓની સંખ્યા વધી છે. સાથે ગત વર્ષે કેદારનાથ ધામમાં રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓ નોંધાયા હોવાની પ્રધાનમંત્રીએ વાત કહી હતી.
રાજસ્થાનના કરૌલીમાં પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે યોજનાઓની અમલવારીમાં ભ્રષ્ટાચાર આચર્યો. ભાજપની સરકારના પ્રયાસોને કારણે કરૌલી-ધૌલપુરના 1.5 લાખ ઘરોમાં પાણી પહોંચ્યું, પાણીની સુવિધાના પ્રોજેક્ટને કોંગ્રેસ સરકારે વર્ષોથી લટકાવી રાખ્યો હતો, ભજનલાલ સરકારમાં લોકોને પાણી મળ્યું છે. આ ઉપરાંત તેમણે નર્મદા યોજનાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે ગુજરાતમાં નર્મદા યોજનામાં અમે કેનાલ બનાવી અને કોઇ મતભેદ કે વિવાદ ઉભો કર્યા વગર અમે રાજસ્થાનને પણ પાણી આપવાનું શરૂ કરી દીધું. ગુજરાતનો હું મુખ્યમંત્રી હતો ત્યારે ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલા ઘણા ગામડાઓને અમારી નર્મદા યોજનાથી ફાયદો થયો. હું ગુજરાતમાંથી આવું છું, પાણીની તકલીફ શું હોય તે મને ખબર છે. આવનારા સમયમાં રાજસ્થાનના તમામ ઘરમાં પાણી પહોંચશે તે મોદીની ગેરંટી છે. તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.