બાબા સિદ્દીકી હત્યા કેસમાં બે આરોપી પોલીસના સકંજામાં
Live TV
-
બાબા સિદ્દીકી હત્યા કેસમાં બે આરોપી પોલીસના સકંજામાં
અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની ગઈ કાલે મહારાષ્ટ્રના મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ બંનેમાંથી 23 વર્ષીય ગુરમૈલ બલજીત સિંહ હરિયાણાનો તો 19 વર્ષીય ધર્મરાજ રાજેશ કશ્યપ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે, ત્રીજા ફરાર આરોપીની ઓળખ થઈ ગઈ છે. આરોપીનું નામ શિવ કુમાર છે. તે યુપીનો રહેવાસી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ શિવકુમારને મળ્યો હતો. તેની શોધખોળ ચાલુ છે. આરોપીઓએ તેમના ઘર અને ઓફિસની રેકી કરી હતી. આ હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની આશંકા જતાવાઈ રહી છે. આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચ તપાસમાં જોડાઈ ગઈ છે. જ્યારે ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી લીધા છે. જે જગ્યાએ આ ઘટના બની ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. રોડ પરની સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. ગુનેગારોએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. હાલ બાબા સિદ્દીકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં ચાલી રહ્યુ છે. બાબા સિદ્દીકીના નજીક મનાતા અભિનેતા સલમાન ખાન હોસ્પિટલ પહોંચી ગયા છે. આજે સાંજે તેમના મૃતદેહને મરીન લાઇન્સના બડા કબરસ્તાન લઈ જવામાં આવશે જ્યાં રાજકીય સન્માન સાથે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.