વંદે ભારત ભારતીય રેલવેના આધુનિકીકરણનો નવો ચહેરો : પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ અવસરે તેમણે કહ્યું હતું કે, વંદે ભારત ભારતીય રેલ્વેના આધુનિકીકરણનો નવો ચહેરો છે. આજે શહેરના દરેક માર્ગો પર વંદે ભારતની માંગ છે. હાઇ-સ્પીડ ટ્રેનો લોકોને તેમના વ્યવસાય, રોજગાર અને સપનાને વિસ્તૃત કરવાનો વિશ્વાસ આપે છે. આજે દેશભરમાં 102 વંદે ભારત રેલ્વે સેવાઓ કાર્યરત છે.
'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ પર ચાલશે: મેરઠ-લખનૌ; મદુરાઈ-બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ વંદે ભારત ટ્રેનો હાલમાં ચાલતી હાઈ સ્પીડ ટ્રેનોની સરખામણીમાં મુસાફરીનો સમય ઘટાડશે. મેરઠ સિટી-લખનૌ વંદે ભારત દ્વારા મુસાફરીના સમયમાં અંદાજે 1 કલાક, ચેન્નાઈ એગમોર-નાગરકોઈલ વંદે ભારત દ્વારા 2 કલાક અને મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત દ્વારા 1.5 કલાકની બચત થશે.
પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, જ્યાં પણ વંદે ભારત ટ્રેનો ચાલે છે ત્યાં પર્યટનમાં વધારો થયો છે, પરિણામે સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન મળ્યું છે અને રોજગારીની નવી તકોનું સર્જન થયું છે. તેમણે કહ્યું હતું કે, વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દક્ષિણ ભારતમાં અપાર પ્રતિભા, અપાર સંસાધનો અને તકો છે. તમિલનાડુ અને કર્ણાટક સહિત સમગ્ર દક્ષિણનો વિકાસ અમારી સરકારની પ્રાથમિકતા છે. છેલ્લા 10 વર્ષમાં આ રાજ્યોમાં રેલવેની વિકાસ યાત્રા તેનું ઉદાહરણ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષના બજેટમાં અમે તમિલનાડુને 6 હજાર કરોડ રૂપિયાથી વધુનું રેલવે બજેટ આપ્યું છે. જે 2014ના બજેટ કરતા 7 ગણા વધુ છે. તેવી જ રીતે આ વખતે કર્ણાટક માટે પણ 7 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ પણ 2014 કરતા 9 ગણું વધારે છે. આજે યુપી અને ખાસ કરીને પશ્ચિમ યુપીના લોકોને મેરઠ-લખનૌ રૂટ પર વંદે ભારત ટ્રેન દ્વારા સારા સમાચાર મળ્યા છે. મેરઠ અને પશ્ચિમ યુપી ક્રાંતિની ભૂમિ છે. આજે આ વિસ્તાર વિકાસની નવી ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે.
નોંધનીય છે કે, આ નવી વંદે ભારત ટ્રેનો આ ક્ષેત્રના લોકોને ઝડપ અને સુવિધા સાથે મુસાફરી કરવા માટે વિશ્વ કક્ષાની સેવા પૂરી પાડશે અને ત્રણ રાજ્યો - ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના લોકોની લાંબા સમયથી ચાલતી માંગને પૂર્ણ કરશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની રજૂઆત નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે રેલ સેવાના નવા ધોરણની શરૂઆત કરશે.