વિપક્ષના હોબાળાને કારણે સંસદના બજેટ સત્રની કામગીરીમાં ફરી અવરોધ
Live TV
-
અદાણી મુદ્દે સંસદમાં વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદમાં બજેટસત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા યોજાનાર હતી. તેમજ લોકસભામાં અલગ અલગ મંત્રાલયોના પ્રશ્નો પર પણ ચર્ચા યોજાનાર હતી. જે વિપક્ષના હોબાળાને કારણે હજુ સુધી થઇ શકી નથી.
સંસદના બંન્ને ગૃહોમાં વિપક્ષોએ અદાણીના મુદ્દે સૂત્રોચ્ચાર કરતાં સંસદના બંને ગૃહોની બેઠક સૌ પહેલા બપોરનાં 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. ત્યારબાદ શરૂ કરવામાં આવી હતી જે બેઠકમાં વિપક્ષના હોબાળાના કારણે બંને ગૃહોની બેઠક આવતીકાલ સુધી મુલત્વી રાખવામાં આવી છે.
લોકસભાની બેઠક આજે સવારે મળતાં કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે સહિત વિવિધ પક્ષોનાં સભ્યો હિન્ડન બર્ગ અહેવાલનાં સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગણી કરતાં ગૃહનાં મધ્યમાં ધસી ગયાં હતાં. ગૃહનાં અધ્યક્ષ ઓમ બિરલાએ સૂત્રોચ્ચાર અને વિરોધ કરી રહેલાં વિપક્ષોનાં સાંસદોને પોતાની બેઠક પર પાછા ફરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગૃહમાં સૂત્રોચ્ચાર કરીને બેઠકની કામગીરી અવરોધવી એ દેશ હિતમાં નથી. જોકે, સૂત્રોચ્ચાર અને વિરોધ ચાલુ રહેતા લોકસભાની બેઠક બપોરનાં બે વાગ્યા સુધી મુલતવી રખાઈ હતી. ત્યારબાદ બપોરે ફરી બેઠક શરૂ કરવામાં આવી હતી જે બેઠકમાં વિપક્ષના હોબાળાના કારણે બંને ગૃહોની બેઠક આવતીકાલ સુધી મુલત્વી રાખવામાં આવી છે.
એવી જ રીતે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષો દ્વારા થઈ રહેલાં સૂત્રોચ્ચાર બાબતે નારાજગી દર્શાવી જણાવ્યું હતું કે, સમગ્ર દેશ સાંસદોના વર્તન ઉપર ધ્યાન રાખી રહ્યો છે. ગૃહના સભ્યો લોકોની અપેક્ષા મુજબ કામગીરી કરી રહ્યા નથી. વિપક્ષના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર અને શોરબકોર ચાલુ રહેતાં ગૃહને આવતીકાલ સુધી મુલત્વી રાખવામાં આવી છે.