PM મોદી 31 ઓગસ્ટે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, પોસ્ટેજ સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, શનિવારના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સવારે 10 વાગ્યે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ અવસર પર, પીએમ ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 વર્ષની યાદગીરીમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત આ બે દિવસીય સંમેલનમાં પાંચ કાર્યકારી સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લા ન્યાયતંત્રને લગતા વિષયો જેવા કે માળખાકીય સુવિધાઓ અને માનવ સંસાધન, સર્વસમાવેશક અદાલતો, ન્યાયિક સુરક્ષા અને ન્યાયિક પ્રણાલીનું કલ્યાણ, કેસ મેનેજમેન્ટ અને ન્યાયિક તાલીમ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સર્વોચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશો, કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ભારતના એટર્ની જનરલ, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.