ભારતીય મહિલા ફુટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપનું ટાઇટલ કર્યું કબજે
Live TV
-
ફાઇનલમાં નેપાળને 3-1થી આપ્યો પરાજય
ભારતીય મહિલા ફુટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ભારતીય ટીમ સતત પાંચમી વખત ટ્રોફી જીતવામાં સફળ રહી છે. યજમાન નેપાળ સામેની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો 3-1થી વિજય થયો હતો. ભારત તરફથી ડાલમિયા છિબ્બરે મેચની 26મી મિનિટે ગોલ કરીને ભારતને 1-0ની સરસાઇ અપાવી હતી. ત્યારબાદ નેપાળે વળતો પ્રહાર કરતા 33મી મિનિટે સંબિત્રા ભંડેરીએ ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કરી દીધો હતો.
બીજા હાફમાં ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ગ્રેસ ડેંગ્મીએ 63મી મિનિટે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું હતું. અંજુ તમંગે 76મી મિનિટે ગોલ કરીને ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો.
ભારતે કોઈપણ મેચ ગુમાવ્યા વિના આ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. આ પહેલા ભારતીય મહિલા ટીમે સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 4-0થી પરાજય આપ્યો હતો.