છેલ્લા 24 કલાકમાં 163 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ; તાપીની શાળાઓમાં રજા
ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ નોંધાયો છે, તો કામરેજમાં 10.7, પલસાણામાં 8.2, બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે સવારની શાળાઓ બંધ રાખવામાં આવી છે, તો હવામાન વિભાગે આજે રાજયમાં દાહોદ, વડોદરા, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે.