વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિમાં ઝુકરબર્ગનો સમાવેશ
Live TV
-
ફેસબૂક ઇન્કના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ વિખ્યાત ઇન્વેસ્ટર વોરેન બફેટને પાછળ રાખીને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
ફેસબૂક ઇન્કના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ વિખ્યાત ઇન્વેસ્ટર વોરેન બફેટને પાછળ રાખીને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ સાથે ટેકનોલોજી એક મજબૂત સંપત્તિ સર્જક છે એ બાબતને વધુ એક સમર્થન મળ્યું છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર, ઇ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ જ તેની આગળ છે.
ફેસબૂકના શેરમાં તેજીથી ઝકરબર્ગની સંપત્તિ વધી
ફેસબૂકના શેરમાં શુક્રવારે 2.4 ટકા તેજી આવવાથી માર્ક ઝુકરબર્ગની સપંત્તિમાં મોટો ઊછાળો આવ્યો હતો. શુક્રવારે શેર 203.23 ડોલરના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. નોંધનીય છે કે હવે વિશ્વના ત્રણ સૌથી ધનિકો ટેકનોલોજી બિઝનેસમાં છે. બ્લુમબર્ગ ઇન્ડેક્સ અનુસાર, 34 વર્ષના ઝકરબર્ગની સંપત્તિ વોરને બફેટથી 37.3 કરોડ ડોલર (રૂ.2536.4 કરોડ) વધી ગઇ છે. આ સાથે હાલમાં ઝકરબર્ગની કુલ સંપત્તિ 81.6 અબજ ડોલર (રૂ.5.55 લાખ કરોડ) છે.
વોરેન બફેટ એકસમયે હતા વિશ્વના ટોચના ધનિક
ઉલ્લેખનીય છે કે વોરેન બફેટ વિશ્વના સૌથી સફળ ઇન્વેસ્ટર છે. તેમણે કંપનીઓના શેરોમાં રોકાણ કરીને અઢળક કમાણી કરી છે. તેમની કંપનીનું નામ બર્કશાયર હેથવે છે. એકસમયે વોરેન બફેટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. પરંતુ ચેરિટી માટે તેમણે પોતાની મોટા ભાગની સંપત્તિ દાનમાં આપી દેતા તેમનું રેન્કિંગ નીચે આવી ગયું છે. ઝકરબર્ગે પણ ફેસબૂકના 99 ટકા શેર દાનમાં આપવાની જાહેરાત કરેલી છે.
ટેકનોલોજીમાં સક્રિય ધનિકોની સંપત્તિ 5 ટ્રિલિયન ડોલર
બ્લુમબર્ગ ઇન્ડેક્સ અનુસાર, ટેકનોલોજી સાથે સંકળાયેલા ધનિકોની સંપત્તિ 5 ટ્રિલિયન ડોલરથી વધુ છે, અન્ય કોઇ પણ ક્ષેત્ર કરતા વધારે છે. આ વર્ષની શરૂઆતમાં ડેટા લીકની ઘટના બહાર આવ્યા પછી માર્ક ઝકરબર્ગની કંપની ફેસબૂકનો શેર 15 ટકાથી વધુ તૂટ્યો હતો અને 27 માર્ચના રોજ આઠ મહિનાની નીચી સપાટીએ 152.22 ડોલર પર આવી ગયો હતો. તેના કારણે ધનિકોની યાદીમાં ઝકરબર્ગની સ્થિતિ ગબડીને સાતમા નંબરે આવી ગઇ હતી. જોકે, તે પછી ફેસબૂકે ડેટા લીકની ઘટના પછી સુરક્ષાની બાબતમાં કડક પગલાં લેવાની વાત કરી હતી. તેથી રોકાણકારોને ફરીથી તેમાં વિશ્વાસ વધ્યો હતો અને તેના શેરમાં તેજી ચાલુ રહી છે.