ગુજરાતનું હસ્તકલામાં આગવું યોગદાન
Live TV
-
ગુજરાતનું હસ્તકલામાં આગવું યોગદાન
7 ઓગસ્ટ આ દિવસને “રાષ્ટ્રીય હાથશાળ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ હસ્તકલાને પોંખવાનો દિવસ છે. ગુજરાત તેમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.
ગુજરાત સરકાર હસ્તકના નિગમ ગરવી ગુર્જરીએ વર્ષ 2023-24માં રાજ્યના 3200 હાથશાળ વણકરો પાસેથી રૂ. 690 લાખની હાથશાળ બનાવટો ખરીદી કરી છે. સાથે ગત વર્ષે ગરવી ગુર્જરીએ રૂપિયા 25 કરોડથી વધુની હાથશાળ-હસ્તકલા બનાવટોનું વિક્રમી વેચાણ કરી ગામડામાં વસતા અનેક કારીગરોને રોજગારી પૂરી પાડી છે.
રાજ્ય સરકાર દ્વારા “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત પાટણના પટોળા, સુરેન્દ્રનગરનું ટાંગલીયા, મહેસાણાની સદી હાથવણાટ, ગાંધીનગરની આશાવલી સાડી, પોરબંદરના વુલન બ્લેન્કેટ અને દેવભૂમિ દ્વારકાની હાથશાળ શાલ જેવી વિવિધ હાથશાળ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાથશાળ કામગીરીમાં જોડાયેલા તમામ કામદારો પૈકી 70 ટકા મહિલાઓ છે જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે.
“રાષ્ટ્રીય હાથશાળ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદ ખાતેના ઉજવણી કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોને સન્માનિત પણ કરાશે.