ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા "સેમ ડે ડિલિવરી"ની સેવા શરૂ, બુક કરેલ દિવસે જ પહોંચી જશે પાર્સલ
Live TV
-
અમદાવાદ-ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના વિસ્તારો માટે આ સેવા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા ઇ-કોમર્સની જરૂરિયાતોને પહોંચી વળવા, ગ્રાહકોને મુશ્કેલી વિના પાર્સલ બુકિંગની સુવિધા પૂરી પાડવા, ડોર સ્ટેપ પાર્સલ બુકિંગ સર્વિસ માટે મોબાઇલ પાર્સલ બુકિંગ વાન અને ડેડિકેટેડ પાર્સલ બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવેલ છે. અમદાવાદ શહેર વિભાગની પૂર્વ તેમજ પશ્ચિમ બાજુના ગ્રાહકોની ઉભરતી માંગને પહોંચી વળવા માટે અમદાવાદ પશ્ચિમ ખાતે મોબાઇલ પાર્સલ બુકિંગ વાનનો નવા રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનામાં મોબાઇલ પાર્સલ બુકિંગ વેન દ્વારા 38.30 ટન વજનના કુલ 26,408 પાર્સલ બુકિંગ થયા હતા અને ડેડિકેટેડ પાર્સલ બુકિંગ કાઉન્ટર દ્વારા કુલ 273 ટન વજનના 1.25 લાખ પાર્સલ બુક કરવામાં આવ્યા હતા.
ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વધુ એક પહેલના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના વિસ્તારો માટે તેજ શહેર માંથી બુક કરવામાં આવેલ પાર્સલ માટે "સેમ ડે ડિલિવરી"ની સેવા આજથી શરૂ કરવામાં આવેલ છે. આ સેવાનો લાભ એલિસબ્રિજ પોસ્ટઓફિસ, અમદાવાદ જીપીઓ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ અને ગાંધીનગર એચ.ઓ.થી બુક કરવામાં આવેલ પાર્સલને તે જ દિવસે અમદાવાદ અને ગાંધીનગરના પસંદગીના શહેર વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. તે જ પ્રમાણે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, ફતેગંજ હેડ પોસ્ટ ઓફિસ અને સુરત હેડ પોસ્ટ ઓફિસ દ્વારા બુક કરવામાં આવેલ પાર્સલને તે જ શહેર વિસ્તારમાં તે જ દિવસે ડિલિવરી કરવામાં આવશે.
ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વિશ્વ વન્યજીવન દિવસની થીમ પર વિશેષ કવર અને ચિત્ર પોસ્ટકાર્ડનો સેટ જારી કરવામાં આવ્યો હતો. જેથી વિશ્વના તમામ વન્ય પ્રાણીઓ અને છોડ આપણા જીવન અને સ્વાસ્થ્યમાં જે યોગદાન આપે છે તેની ઉજવણી કરવામાં આવી હતી. 8,840 પોસ્ટ ઓફિસની સાથે, ગુજરાત પોસ્ટલ સર્કલ પાસે 1.40 કરોડ POSB ખાતા છે. વર્તમાન નાણાકીય વર્ષમાં, ગુજરાત રાજ્યના નાગરિકોની નાણાકીય જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા તમામ બાળકો માટે “ધ્રુવ સંકલ્પ” અભિયાન તેમજ સુકન્યા માટે “શક્તિરૂપેણ” અભિયાન અંતર્ગત વિવિધ શિબિરો, મેળાઓ, સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. "બચત બસંત મહોત્સવ" દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ ની જાણકારી માટે આ ઝુંબેશ જેમાં અમોને સમાજના દરેક ખૂણેથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ભારતીય ટપાલ વિભાગ તમામ બચત યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દર આપે છે જે સલામતી અને સુરક્ષા રોકાણ માટે શ્રેષ્ઠ છે. ઈન્ડિયા પોસ્ટ પાસે સૌથી જૂની વીમા યોજના "પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ" છે, જે 1884માં રજૂ કરવામાં આવી હતી. ગુજરાત પોસ્ટલ સર્કલ પાસે 13 લાખથી વધુ સક્રિય વીમા પોલિસી સાથે 17,985 કરોડની વીમા રકમ છે. "વીમો હોય તો પોસ્ટલ હોય". ભારતીય ટપાલ વિભાગ પોસ્ટ બચત યોજનાઓ અને વીમા ઉત્પાદનો દ્વારા નાગરિકોની નાણાકીય સુખાકારી માટે પ્રતિબદ્ધ છે.