ગુજરાત સાયન્સ સિટી ખાતે દેશના પ્રથમ ‘નેશનલ સ્પેસ ડે’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Live TV
-
ગુજરાત સાયન્સ સિટી ખાતે દેશના પ્રથમ ‘નેશનલ સ્પેસ ડે’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે 23 ઓગસ્ટના રોજ ‘નેશનલ સ્પેસ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સાથે સાથે 12 ઓગસ્ટથી શરૂ થયેલા સ્પેસ ફેસ્ટિવલનો પણ સમાપન સમારોહનું આયોજન કરાયું. ઈસરો દ્વારા મોકલવામાં આવેલા ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરનું ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર 23 ઓગસ્ટ 2023ના રોજ સોફ્ટ લેન્ડિંગ થયું હતું. જે ઐતિહાસિક ક્ષણની યાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 23 ઓગસ્ટના દિવસને ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ સ્પેસ ડે નિમિત્તે હેન્ડ્સ ઓન વર્કશોપ્સ, ઈન્ટરેક્ટિવ સેશન્સ, પઝલ ગેમ્સનું પ્રદર્શન, સ્પેસ ક્વિઝ કોમ્પિટિશન, વગેરે જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
હેન્ડસ ઓન વર્કશોપમાં વિદ્યાર્થીઓને પેપર, ગમ વગેરે જેવું રો મટિરિયલ આપવામાં આવ્યું હતું. જેના થકી વિદ્યાર્થીઓએ એસ્ટ્રોલેબ, મંગલયાન, રોકેટ, સ્પેસ શટલ, હેન્ગિંગ સોલાર સિસ્ટમ, આર્યભટ્ટ ઉપગ્રહ, વગેરેની પ્રતિકૃતિ બનાવી હતી અને તેના થકી વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો અંગે માહિતી મેળવી હતી.CCL-IIT ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખવાડમાં આવી. જેમાં પેપર અને ગ્લૂના ઉપયોગથી રોકેટ બનાવીને તેને પાઈપ અને બોટલની મદદથી કઈ રીતે ઉડાડવું તે શીખવાડમાં આવ્યું.
ઈન્ટરેક્ટિવ સેશનમાં બ્લેક હોલ, તારા મંડળનું જીવનચક્ર અને ઉત્ક્રાંતિ, ચંદ્ર અને સૂર્યગ્રહણ પાછળના કારણો, રોકેટનો ઈતિહાસ, ભારતનું અવકાશ મિશન, ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ, વગેરે જેવા વિષયો અંગે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ સેશનમાં વિદ્યાર્થીઓને ભારતના મૂન મિશન - ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. જેમાં ભારતનું ચંદ્રયાન-2 મિશન કઈ રીતે નિષ્ફળ રહ્યું અને ત્યાર બાદ ઈસરોએ હિંમત ન હારીને ફરી થોડા જ સમયમાં ફરી ચંદ્રયાન-3 મિશન હાથ ધર્યું અને તેમાં ડિઝાઈન સહિત કેવા કેવા ફેરફારો કરવામાં આવ્યા અને 23 ઓગસ્ટે લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડિંગ સાથે ભારતે ઐતિહાસિક સફળતા મેળવી વગેરે વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. સહભાગી વિદ્યાર્થીઓને હોલ ઓફ સ્પેસની ગાઈડેડ ટૂર કરાવીને જુદા જુદા પ્રદર્શનો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને આઈમેક્સ થિયેટરમાં ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન બઝ એલ્ડ્રિન પર બનેલી થ્રી-ડી ફિલ્મ ‘વોકિંગ ઓન ધ મૂન’ બતાવવામાં આવી હતી. સાથે સાથે પઝલ્સ અને ક્રેઝી સાયકલનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ અને મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નેશનલ સ્પેસ ડેની ઉજવણી સાથે ગુજરાત સાયન્સ સિટીમાં સ્પેસ ફેસ્ટિવલનું પણ સમાપન થયું છે. જેમાં આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.