ડેરી ઉદ્યોગમંત્રી પરશોત્તમ રૂપાલા સોમનાથમાં યોગસત્રમાં ભાગ લેશે, એક હજારથી વધુ ખેડૂતો જોડાશે
Live TV
-
ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ ખાતે યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દૂધ અને ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને આરોગ્ય અને સુખાકારી માટે જન આંદોલન ચલાવવાનો છે.
ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ ધામ ખાતે આજે IDY-2022 કાઉન્ટડાઉન કાર્યક્રમ ‘યોગોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગોત્સવની મુખ્ય થીમ જીવનશૈલી અને પોષક આહાર સાથે યોગ રાખવામાં આવી છે. ભારત સરકારમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગમંત્રી પરશોત્તમ રૂપાલા આ કાર્યક્રમમાં હાજર રહેશે. ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલય અંતર્ગતના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) તેમજ ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ સંઘ (GCMMF)ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથમાં યોજનારા આ યોગોત્સવમાં જુનાગઢ, અમરેલી તેમજ રાજકોટના હજારથી પણ વધારે દૂધ ઉત્પાદક ખેડૂતો યોગ કરવા માટે જોડાશે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગમંત્રી પરશોત્તમ રૂપાલા NDDB દ્વારા તૈયાર કરવામાં આવેલું ગોબર ગેસના કચરામાંથી બનેલું જૈવિક ખાતર અને શિશુસંજીવની લોન્ચ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમંત્રી, પશુપાલન અને ગાય-સંવર્ધન, દેવાભાઇ માલમ, સાંસદ (જુનાગઢ-ગીર, સોમનાથ) રાજેશ ચુડાસમા અને ભારત સરકારના પશુપાલન અને ડેરી ઉદ્યોગ સચિવ અતુલ ચતુર્વેદી પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. જેના ભાગરૂપે આયુષ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના ઉપલક્ષ્યમાં કાઉન્ટડાઉન કાર્યક્રમોનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. દૂધ અને ડેરી ઉત્પાદનોને મહત્વપૂર્ણ આવશ્યક પોષક તત્વોના સારા સ્રોત અને લગભગ સંપૂર્ણ ખોરાક તરીકે પ્રોત્સાહન આપીને આરોગ્ય અને સુખાકારી માટે જન આંદોલન તરીકે IDY-2022 ની પ્રવૃત્તિઓમાં વધુ લોકોને લાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ઉત્તરાખંડમાં ગંગા ઘાટ, ઋષિકેશ અને તમિલનાડુમાં કન્યાકુમારી ખાતે વિવેકાનંદ રૉક મેમોરિયલ ખાતે પણ પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ દ્વારા આવા જ કાઉન્ટડાઉન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
