ડ્રેગન ફ્રૂટના વાવેતર કરતા માટે કુલ રૂ.1000 લાખની આર્થિક સહાયનો નિર્ણય
Live TV
-
ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય
ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય
ડ્રેગન ફ્રૂટના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ.1000 લાખની આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ શરૂ, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.650 લાખની આર્થિક સહાય, ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા સામાન્યજાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂ.3 લાખ સહાય, અનુ.જન.જાતિ-અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂ.4 લાખ 50 હજારની સહાય
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે રાજ્યમાં કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ.1000 લાખની આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રીએ વિગતો આપતા કહ્યું હતું કે, સામાન્ય જાતિના ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ રૂ. 3 લાખ તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને હેકટરદીઠ મહત્તમ રૂ 4 લાખ 50 હજારની સહાય માટે કુલ રૂ.1000 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભા કરવા, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકોમા આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ કુલ રૂ.50 લાખની સહાય માટે કુલ રૂ.650 લાખનો કાર્યક્રમ શરૂ કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. આ પ્રોત્સાહન સહાય માટે રાજ્ય સરકાર દ્વારા બંને કાર્યક્રમો માટે કુલ રૂ.1650 લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે તેમ કૃષિ મંત્રી રાધવજી પટેલે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ડ્રેગન ફ્રૂટમાં મહત્વના વિટામિન્સ અને મીનરલ્સ સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે. ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે. ડ્રેગન ફ્રૂટના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે.
કૃષિ મંત્રીશ્રીએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી અને નાણા મંત્રીનો સમગ્ર રાજ્યના ખેડૂતો વતી આભાર પણ માન્યો હતો.
