તળાવમાં નહાવા ગયેલા 12 બાળકો પૈકી 3 બાળકોના મોત
Live TV
-
રવિવારની રજામાં કાળજાળ ગરમીથી રાહત મેળવવા એક જ વિસ્તારના કુલ ૧૨ જેટલા બાળકો ઘરે જાણ કર્યા વિના નામધા તળાવ ખાતે નહાવા ગયા હતા, ત્યારે આ ઘટના બની હતી
વાપીના ગીતા નગરમા રહેતા ૧૨ બાળકો વાપી નજીક નામધા ગામના આમલ ફળિયામાં આવેલા તળાવમાં નહાવા ગયા હતા, ત્યારે ૧૩ વર્ષિય વિશાલ, ૧૨ વર્ષિય આદિત્ય અને ૮ વર્ષના શિવમકુમાર નામના ત્રણ બાળકો તળાવના ઉંડા પાણીમાં તણાયા ગયા હતા અને ડૂબી ગયા હતા. બાળકોને ડૂબતા જોઇ અન્ય બાળકોએ બુમાબુમ કરી બચાવ માટે મદદ માંગતા આસપાસના સ્થાનિક લોકોએ પંહોચી બચાવની કામગીરી હાથ ધરી તુરંત જ પોલીસ અને ફાયરવિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વાપી ટાઉન પોલીસ, ફાયર વિભાગની તરવૈયા ટીમ તેમજ સ્થાનિક લોકો તળાવ કાંઠે પંહોચી ત્રણેય બાળકોને બચાવવાની કવાયત હાથ ધરી હતી. જેમાં ત્રણેય બાળકોની લાશ મળી આવતા તેમના પરિવારોમાં આક્રંદ છવાઇ ગયો હતો. એક સાથે ત્રણ માસુમ બાળકો ડુબી જવાને લીધે મોત થતા શહેરમાં અરેરાટી મચી ગઇ હતી. ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢી નજીકના ચલા પીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.