નર્મદા સહિત રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઊજવણી, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી, આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાતના કલાકારો પણ જોડાયા હતા .
આજે સમગ્ર વિશ્વમાં આઠમાં યોગ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. દેશમાં 75 આઈકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી થઈ રહી છે. તેમાંના એક નર્મદાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા જોડાયા હતા. વિશ્વ યોગ દિવસની ઊજવણીમાં ગુજરાતના કલાકારો પણ જોડાયા હતા .
વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશ્નર, પ્રદેશ મહામંત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા. મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિરમાં મહેસાણા જિલ્લાકક્ષાનો યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. સૂર્યમંદિર ખાતે વહેલી સવારે 5000 જેટલા લોકો યોગ કરવા જોડાયા હતા.
આજે વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આણંદના કરમસદ ખાતે આવેલ સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી જેમા ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિતિ રહ્યા હતા. નવસારી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મત્સ્યોદ્યોગ, પાણી પુરવઠા રાજય મંત્રી જીતુભાઇ ચૌધરી હાજર રહ્યા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. તેમાં જોડાયેલા લોકોએ વિવિધ આસનો કર્યા હતા. તાપી જિલ્લામાં પણ વિવિધ 775 સ્થળો પર યોગદિવસની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં 1,47,000 લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
વિશ્વ યોગ દિવસે દીવના ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લાની અંદર વિવિધ 27 જગ્યાએ અને ભારતીય યુદ્ધ પોત આઈ.એન.એસ. ખુકરી અને માછીમારોએ દરિયામાં યોગાસનો કર્યા હતા. આ પ્રસંગે ભારત સરકારના રેલ, કોલસા અને ખદાન રાજ્યમંત્રી રોશનસાબ પાટીલ દાનવે, દમણ-દિવના સાંસદ લાલુભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
ગાંધીનગરમાં પણ સેકટર 4 ખાતે આવેલા ધ - ૪ ના સ્વર્ણિમ પાર્કમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડો. ધવલભાઈ પટેલ અને મેયર હિતેશભાઈ મકવાણાની ટીમ સાથે જોડાઈને મોટી સંખ્યામાં નાગરિકોએ "વિશ્વ યોગ દિવસ" ઊજવ્યો હતો. દરેક વોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક રહિશો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અમરેલી જિલ્લાના 9 નગરપાલિકાઓ અને 11 તાલુકાઓમાં આજે યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. કુંકાવાવ વડીયામાં સુરગવા હાઇસ્કૂલ ખાતે તાલુકાકક્ષાએ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો.
ભારતે સમગ્ર વિશ્વને યોગની ભેટ આપી છે. 21 જૂન 2015ના રોજ 170 દેશોએ પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી..
