મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૧૭મા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને મળી સફળતા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તા.23 થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલામાં 5,72,000 બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ કરાવવામાં આવ્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તા.23 થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં 5,72,000 બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં 2,80,478 વિદ્યાર્થીનીઓ તથા 2,91,912 વિદ્યાર્થીઓનું શાળાઓમાં નામાંકન થયું છે. આ ઉપરાંત ત્રણ દિવસમાં 1,059 વિદ્યાર્થીઓ અને 761 વિદ્યાર્થીનીઓ મળીને કુલ 1,775 દિવ્યાંગ બાળકોનું નામાંકન થયું. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે 2,30,732 ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. રાજ્યભરમાં શાળાનું પગથિયુ ચઢી રહેલા બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાનો અભિગમ અપનાવી પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી 1,58,820 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના 22,857 ગામોની કુલ 30,880 પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લઇ 100% નામાંકનની દિશામાં નક્કર કદમ ભર્યુ છે. ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદાતભાવથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 2003-04 માં શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનની ૧૭મી શૃંખલા આજે મુખ્યમંત્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ છે. ત્રણ દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ.25.93 કરોડના ખર્ચે 494 નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બે દિવસમાં રાજ્યભરમાં 2364 શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ સ્તરથી જ કવોલિટી એજ્યુકેશનનો પાયો સુદ્રઢ કરતા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના આ 17મા અભિયાનની ત્રિદિવસીય શૃંખલાને ખુબ સારો જનપ્રતિસાદ સાંપડ્યો છે. જે રાજ્યમાં એક પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે અને ગુજરાતને 100% શિક્ષીત રાજ્ય બનાવવાની દિશામાં મહત્વનું સાબિત થશે
