રાજકોટથી 1200 શ્રમિકો અને ભરૂચના કંથારિયા આસપાસ દારુઉલ્મમાં ભણતા 1250 વિદ્યાર્થીઓ ટ્રેનમાં બિહાર જવા રવાના
Live TV
-
રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા બિહારના 1200 પરપ્રાંતીય મજૂરોને ટ્રેન મારફત તેમના વતન જવા રવાના કરવામાં આવ્યા હતા.પહેલી બે ટ્રેઈનમાં પરપ્રાંતીય મજૂરોને ઉત્તર પ્રદેશ મોકલ્યા બાદ આજે કલેકટર તંત્ર દ્વારા શ્રમિકોને બિહારના ભાગલપુર જવા ત્રીજી ટ્રેઈનની વ્યવસ્થા કરવામાં આવી હતી.રાજકોટ જીલ્લા અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે પાંચ હજાર જેટલા પરપ્રાંતીય મજૂરોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે હજુ પણ પરપ્રાંતીય મજૂરોને તેમના વતન જવાની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી આપવામાં આવશે. સામાજિક સંસ્થા કાનુડા મિત્ર મંડળ દ્વારા તમામ શ્રમિકોને સેનિટાઇઝર માસ્ક સાબુ તેમજ ફૂડ કીટ આપવામાં આવી હતી.
જામનગરમાં ધંધા રોજગાર માટે આવેલા પરપ્રાંતીયો લોકડાઉનને લીધે ફસાઈ ગયા છે. આવા પરપ્રાંતીયોને વહીવટી તંત્ર દ્વારા ટ્રેન મારફતે તેમના વતન ઉત્તરપ્રદેશ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં 1200 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન મારફતે બસ મારફતે ગાંધીનગર રેલવે સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં મેડિકલ ચેકઅપ બાદ ફૂડ પેકેટ્સ સાથે ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેક્ટર રવિશંકર અને જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહિતના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેથી ગુજરાત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં તમામ ધંધા રોજગાર બંધ જેવી હાલતમાં છે. લોકડાઉનને લઈને લોકો ઘરમાં જ રહે છે ત્યારે બીજા રાજ્યમાંથી ધંધા રોજગાર અને મજૂરી અર્થે અહી આવેલા શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. જેથી તેમને તેમના વતનમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાંથી મધ્યપ્રદેશના 103 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને ત્રણ લક્ઝરી બસ દ્વારા તેમના વતન પરત મોકલ્યા છે. આ પૂર્વે તમામ શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. આ તમામ શ્રમિકોને ફૂડ પેકેટ્સ પણ અપાયા હતા. ધારાસભ્ય ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ વિસનગર તાલુકામાં 1200 જેટલા પરપ્રાતિયનું રજીસ્ટ્રેશન થયું છે.
રાજ્યમાં લોકડાઉન લંબાવવાના કારણે છેલ્લાં કેટલાં દિવસોથી પોતાના માદરે વતન જવા માંગતા પ્રરપ્રાંતિય લોકો માટે સરકાર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવાની શરૂઆત કરાઈ છે. ત્યારે આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ જવા માટે ખાસ ટ્રેન રવાના થઇ હતી., જેમાં 1200 જેટલાં પ્રવાસીઓ પોતાના માદરે વતન જવા માટે ઉત્સાહભેર રવાના થતાં જોવા મળ્યાં હતાં. ઉત્તરપ્રદેશ જવા માટે એક જ દિવસમાં ૪ ટ્રેનોની જાહેરાત થતાં પ્રવાસી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.