રાજયમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
Live TV
-
રાજયમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજયમાં સિઝનનો કુલ 98.12 ટકા વરસાદ વરસી ચૂકયો છે. જયારે કચ્છમાં સૌથી વધુ 151 ટકા વરસાદ નોંધાયો.
વરસાદની આગાહી વચ્ચે રાજયના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો. મહેસાણા જિલ્લામાં છ કલાકમાં 3 ઈંચ વરસાદથી મોઢેરા ચોકડી બસ સ્ટેશન, ગોપી નાળા અને ભમરીયા નાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. મહેસાણામાં અત્યાર સુધીમાં સીઝનનો 90 ટકા વરસાદ વરસી ચુક્યો છે. આ ઉપરાંત વિસનગરમાં 2.28 ઈંચ, વડનગરમાં 1.77 ઈંચ, વિજાપુરમાં 1.45 ઈંચ, ઊંઝામાં 1.18 ઈંચ, ખેરાલુમાં 1 ઈંચ વરસાદ વરસ્યો. જિલ્લામાં ચાલુ સીઝનનો સૌથી વધુ વરસાદ સતલાસણા તાલુકમાં 37.20 ઈંચ નોંધાયો તો સૌથી ઓછો વડનગર તાલુકામાં 18.97 ઈંચ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સાથે અંબાજીમાં પણ મેઘરાજાની એંટ્રી થઈ જેના કારણે સમગ્ર અંબાજીમાં પાણી ભરાતા વેપારીઓની સ્થિતિ ચિંતાજનક બની.
