રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો, દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઊછળ્યા
Live TV
-
દ્વારકામાં ગોમતી ઘાટ, પંચકુઇ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્તા પ્રવાસીઓ આનંદમાં આવી ગયા હતા.
રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 40 કલાકમાં હળવાથી - ભારે વરસાદ થયો છે. નવસારીના વાંસદા તાલુકામાં સૌથી વધુ 140 મીલીમીટર વરસાદ નોંધાયો છે. ખંભાળીયા તાલુકામાં 110, માણાવદરમાં 110, ડોલવણ અને જુનાગઢમાં 100, ખેરગામ, વીરપુર, ગણદેવીમાં 90, જયારે મધુબન, વંથલી, નવસારી તાલુકાઓમાં 80 મીલીમીટર વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 93.8 મીલીમીટર વરસાદ થયો છે, જે સામાન્ય કરતા 30 ટકા ઓછો છે. છેલ્લા 30 કલાકમાં ડાંગના આહવામાં 10 મીમી., વઘઇમાં 17 મીમી જયારે સુબિરમાં 25 મીમી., તેમજ સાપુતારામાં 5 મીમી વરસાદ નોંધાયો છે. સાપુતારામાં હળવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જો કે, રવિવારે અહીંયા અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડયા હતા.
બોટાદના બરવાળા શહેર તેમજ તાલુકાના રોજીદ, રામપરા, કાપડિયાળી, કુંકળ, ટીંબવા ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદ દરમિયાન બરવાળા-સારંગપુર રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો. ખાનગી ટ્રાવેલ્સ-બસ અને પીકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસે તાત્કાલિક ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો તેમજ ઇજાગ્રસ્તને બરવાળા ખસેડવામાં આવ્યા હતા.
છોટાઉદેપુરમાં રવિવારે બપોરના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. સાબરકાંઠામાં રવિવારે સાંજે વડાલીમાં 12 મીમી, ખેડબ્રહ્મામાં 5 મીમી., પ્રાંતિજમાં 3 અને હિંમતનગરમાં 2 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ગોમતી ઘાટ, પંચકુઇ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્તા પ્રવાસીઓ આનંદમાં આવી ગયા હતા.
