રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, નવસારીના વાંસદામાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ
Live TV
-
ભારે વરસાદની આગાહીના ભાગરૂપે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. જે બાદ વલસાડના કપરાડામાં 15 ઇંચ,ધરમપુરમાં 13 ઇંચ જયારે પારડીમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 20 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વલસાડના કારણે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી ફરી વટાવી હતી. જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા..ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું હતું અને નીચાણવાળા વિસ્તારમાં 350 જેટલા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી હતી. વલસાડના કાશ્મીર નગર, બરૂડિયાવાડ વિસ્તારના લોકોને શેલ્ટરહોમમાં ખસેડાયા હતા. NDRF અને પોલીસ વિભાગ સહિતની તમામ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લામાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. 2 ફૂટથી 15 ફૂટ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે. પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારાને લઈને જિલ્લા કલેકટરે નીચાણવાળા વિસ્તારોને આશ્રય સ્થાન અથવા સલામત સ્થળે જવા માટે અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવા ને કારણે નવસારી જિલ્લા કલેકટરએ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. કોડીનારના જામવાળા ગીર જંગલ મધ્યે આવેલો શિંગોડા ડેમ 44 ટકા ભરાતા ડેમની સપાટી 61.68 ફૂટ પર પહોંચી ગઈ છે. સિંચાઈ વિભાગ દ્વારા લોકોને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથમાં કોડીનારના અરણેજ ગામની સ્થિતિ નાજુક બની ગઈ છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
ગાંધીનગર, બનાસકાંઠા અને કચ્છના કેટલાક તાલુકામાં સૌથી ઓછો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. મહત્વનું છે કે, કચ્છમાં સીઝનનો 97.76 ટકા વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે. અત્યાર સુધીમાં સીઝનનો કુલ 50.98 ટકા વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદ વચ્ચે રાજ્યમાં 27 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે. રાજ્યના 21 જળાશય 100 ટકાથી વધુ ભરાયા છે. બીજી તરફ વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજ્જ કરાયું છે. આગાહીના ભાગરૂપે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
