વિધાનસભા ગૃહમાં ‘યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન
Live TV
-
આ પ્રસંગે રાજેન્દ્ર ત્રિવેદી, હર્ષ સંઘવી, વિપક્ષ ઉપનેતા શૈલેષ પરમાર, દંડક પંકજ દેસાઈ, ડો.નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભા ગૃહ ગાંધીનગર ખાતે આજે ‘યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ. અખિલ ભારતીય પ્રમુખ અધિકારીશ્રીઓની પરિષદના 100 વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હિરક જયંતી વર્ષની ઉજવણી’’ના ભાગરૂપે ગુજરાત વિધાનસભા ખાતે "યુવા મોડેલ એસેમ્બલી"નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની શ્રી ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા ધ સ્કૂલ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યુ છે કે, દેશ અત્યારે વિશ્વગુરુ બનવા જઇ રહ્યો છે ત્યારે, સમાજના વિભિન્ન સમુદાયના પ્રાણપ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય, પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરી શકાય તે હેતુથી લોકતંત્રને વધુ મજબૂત કરવા માટે સંસદીય કાર્યપ્રણાલીને સમજવી જરૂરી છે. યુવાનોની દેશના વિકાસની પ્રક્રિયામાં ભાગીદારી વધે અને ભવિષ્યમાં સુશાસન પુરૂ પાડે તેવું યુવાધન આ દેશને મળે તે માટે ઘડતરરૂપ ‘‘યુવા મોડેલ એસેમ્બલી’’ જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને રાજકીય ક્ષેત્રથી પ્રશિક્ષિત કરવા જરૂરી છે.
આ યુવા મોડેલ એસેમ્બલી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નેતા બનવાની પ્રેરણા પૂરી પાડવા માટે એક અનોખું માધ્યમ સાબિત થશે. અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદના 100 વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હિરક જયંતી વર્ષની ઉજવણી’’ના ભાગરૂપે ગુજરાત વિધાનસભા ખાતે "યુવા મોડેલ એસેમ્બલી"નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની શ્રી ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા ધ સ્કૂલ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષએ યુવાનોમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મોડેલ એસેમ્બલીના માધ્યમથી રાજ્યનો યુવાવર્ગ સક્ષમ, અનુભવી અને રાષ્ટ્રપ્રેમી બનશે, યુવાનોમાં નેતૃત્વશક્તિ ખીલવે અને લોકશાહીની પ્રત્યક્ષ તાલીમ આપે તેવી આ ‘યુવા મોડેલ એસેમ્બલી’નું આયોજન કરનારી ગુજરાત વિધાનસભા સમગ્ર દેશમાં પ્રથમ છે. તેમણે કહ્યું હતું કે, ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. વિશ્વના 360 કરોડ યુવાનો પૈકી 60 કરોડ યુવાનો ભારતમાં છે. વડાપ્રધાને યુવાનો દેશમાં મજબૂત આધાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને નવી શિક્ષણ નીતિ સહિતના યુવાલક્ષી વિવિધ ક્રાંતિકારી નિર્ણયો લીધા છે.
તેમણે ઉમેર્યું કે, યુવા મોડેલ એસેમ્બલી એ એક એવું અનોખું પ્લેટફોર્મ છે, જે યુવા વિદ્યાર્થીઓને સંસદીય કાર્યપદ્ધતિ અને પ્રણાલીઓ સાથે સંપર્કમાં આવવાની સુવર્ણ તક પૂરી પાડશે. વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણ વિકસે, વિદ્યાર્થીઓ સામાન્ય માણસના દૃષ્ટિકોણને સમજે, અભિવ્યક્ત કરે અને જન સુખાકારી માટેની યોજનાઓથી વાકેફ થાય, સંસદીય પ્રણાલી, અંદાજપત્ર, કાયદા બનાવવાની પ્રક્રિયા સહિતની વિવિધ વિકાસ કામો કરવાની પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનમંડળ અને સંસદને લોકશાહીના સર્વોચ્ચ મંદિર કહ્યા છે. લોકશાહીમાં મતદાર એ પાયાનો એકમ છે તો જનપ્રતિનિધિ સૌથી મહત્વનો એકમ છે. તેમણે આજની યુવા મોડલ એસેમ્બલી પોલિટિકલ ડેમોક્રેસીથી સોશ્યલ ડેમોક્રેશીનો સંદેશો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એક દિવસના આ વિશેષ સત્રમાં ધારાસભ્યની જગ્યાએ 182 બાળકો સ્થાન લશે. દેશમાં વર્ષો સુધી ‘ન્યુ-એજ વોટર’ તરીકે જોવાતી યુવાશક્તિને ‘ન્યુ એજ પાવર’ તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અસરો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને આપ્યા છે. વિઝનરી લીડર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ યુવા શક્તિના ભરોસે નયા ભારતના નિર્માણનો આરંભ કર્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા યુવાનો આજે અહીં મોક એસેમ્બલી રચીને જન પ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાનો અનુભવ લઈ રહ્યા છે. લોકશાહીમાં મતદાર પાયાનો એકમ છે, તો જનપ્રતિનિધિ સૌથી મહત્વનો એકમ છે. મતવિસ્તારના વિકાસ અને પ્રજાના પ્રશ્નોના નિવારણમાં સદાય સક્રિય રહેવું તે મતદારે ચૂંટીને મોકલેલા જનપ્રતિનિધિનું દાયિત્વ છે. ગુજરાતની લોકતાંત્રિક પરંપરાઓને સૌ યુવાનો સાથે મળીને આગળ લઈ જશે તેવી વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલા યુવા મોડેલ એસેમ્બલીના શુભારંભ પ્રસંગે સંસદીય મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભા શાસક પક્ષના દંડક પંકજભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભા વિપક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મંત્રીશ્રીઓ, ધારાસભ્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
