સુરત, નવસારી, ડાંગ,વલસાડમાં 22-23 જુલાઈ ભારે વરસાદની આગાહી, તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી
Live TV
-
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ SEOC, ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટરશ્રીઓ અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આગામી તા.22 અને 23 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તા. 23 અને 24 જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.24-25 જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.
ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 56 ટકા જળરાશીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ વરસાદના કારણે આશ્રય સ્થાનોમાં આશરો લઇ રહેલા તમામ નાગરિકો હાલની સ્થિતિએ સલામત રીતે પોતાના સ્વગૃહે પરત ફર્યા છે. રાજ્યમાં 74,232 નાગરિકોને કેશડોલ્સ ચુકવવામાં આવી છે, જ્યારે સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં NDRF, SDRF અને વહીવટી તંત્રના સહયોગથી 1,566 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્થાપેલી ઉત્તમ વીજળી વ્યવસ્થાના પરિણામે વરસાદની સ્થિતિમાં પણ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ છે. હાલ કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલમાં 1-1 નેશનલ હાઈવે પર અગવડના કારણે વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 14,641 પૈકી માત્ર 55 નાના રૂટ પર બસ વ્યવહાર બંધ છે.
