1200 દિવસનો કોઈ કંપની પ્રોજેક્ટ લાવે તો લેબર લોના તમામ કાયદામાંથી તેને છૂટ અપાશે - CM
Live TV
-
રાજ્યમાં નવા ઉદ્યોગ રોકાણકારો માટે મહત્વના નિર્ણય, શ્રમિકોને યોગ્ય વેતન આપવા , સલામતીની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉદ્યોગકારોને સૂચના
ગુજરાતમાં નવા ઉદ્યોગ રોકાણકારો માટે મહત્વની જાહેરાત કરી છે. સીએમ વિજય રુપાણીએ કહ્યું હતું કે લૉકડાઉન અને કોરોનાના કારણે આવનારા દિવસોમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડશે. આર્થિક ગતિવિધિઓ વધે અને બેરોજગારી ઓછી થાય, નવા પ્રોજેક્ટો ઝડપથી શરુ થાય તે દ્રષ્ટીથી ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે કોઈપણ વ્યક્તિ નવો પ્રોજેક્ટ 1200 દિવસ કામ કરવા માટે લઈ આવે અને કામ કરે તો તેને લેબર લો ના બધા કાયદામાંથી મુક્તિ આપવામાં આવશે. જોકે મજૂરોની પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતો પર છૂટ આપવામાં નહીં આવે અને લેબર લો ના કાયદા બધા લાગુ પડશે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મિનિમમ લધુતમ વેતન ધારો લાગુ પડશે. સુરક્ષાના જે કોઈ નિયમો છે તેમાં કોઈ છૂટછાટ મળશે નહીં. ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની સુરક્ષા પર કોઈ બાંધછોડ કરાશે નહીં. આ સિવાય જો કોઈ મજૂરને અકસ્માતમાં ઈજા થાય કે મૃત્ય થાય તો તેને વળતર પુરેપુરું આપવું પડશે. વળતર માટે કાયદામાં જે જોગવાઈ છે તે તમામ લાગુ પડશે. આ સિવાય ફેક્ટરીને મજૂર કાયદા મુજબ કોઈ નિયમ લાગુ પડશે નહીં.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જૂની તમામ ફેક્ટરીમાં લેબર કાયદા લાગુ પડશે. તેમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં. નવા પ્રોજેક્ટ આવે જેથી નવી રોજગારી વધે અને નવી દિશા ખુલે તે માટે સરકારે ઓડિનન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની કંપનીઓ ચીન છોડવા માટે તૈયારી કરી રહી છે. આ બધી કંપનીઓ ભારતમાં આવે, ગુજરાતમાં આવે એટલા માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણય કર્યા છે. કંપનીઓ ગુજરાત આવે તે માટે અલગ-અલગ અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે.
રાજ્યમાં વિશ્વના અગ્રણી ઊદ્યોગો, રોકાણો મોટાપાયે આવે, રોજગારી વધે સાથોસાથ આનુષાંગિક ઊદ્યોગોને પણ વેગ મળે અને સ્થાનિક રોજગારીની તકો પણ મહત્તમ વધે તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૩૩ હજાર હેકટર જમીન વિવિધ ઔદ્યોગિક વસાહતો ખોરજ, સાણંદ, દહેજ SEZ, સાયખા, ધોલેરા SEZ તેમજ અન્ય પ્રાયવેટ SEZમાં ઉપલબ્ધ છે તેની સંપૂર્ણ વિગતો અને પ્લગ એન્ડ પ્રોડયુસ સુવિધા GIS બેઝડ લેન્ડ બેન્કના માધ્યમથી સરળતાએ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.