અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 40 ના મોત
Live TV
-
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સોમવારે બોંબ વિસ્ફોટથી ધણધણી ઊઠી હતી. બે આત્મઘાતી હુમલામાં કાબુલમાં ૮ પત્રકારો સહિત ૨૯નાં મોત થયાં હતાં,
કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સોમવારે બોંબ વિસ્ફોટથી ધણધણી ઊઠી હતી. બે આત્મઘાતી હુમલામાં કાબુલમાં ૮ પત્રકારો સહિત ૨૯નાં મોત થયાં હતાં, જ્યારે કંદહારમાં મદરેસામાં ત્રીજો બોંબવિસ્ફોટ થયો હતો જેમાં ૧૧ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં, આમ ત્રણેય બોંબવિસ્ફોટમાં ૪૦થી વધુનાં મોત થયાં હતાં અને ૪૫થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ હતી. હજી ગયા અઠવાડિયે જ અહીં મતદારોનાં રજિસ્ટ્રેશન સેન્ટર પર આત્મઘાતી હુમલો કરાયો હતો, જેમાં ૬૦ નિર્દોષોનો ભોગ લેવાયો હતો. ત્રણેય બોંબ વિસ્ફોટની જવાબદારી ISIS દ્વારા લેવામાં આવી હતી. પહેલો સ્યૂસાઇડ બોંબર મોટરસાઇકલ પર આવ્યો હતો જ્યારે બીજો પગે ચાલીને આવ્યો હતો અને પત્રકારોનાં ટોળામાં ભળી જઈને વિસ્ફોટ કર્યો હતો.
પહેલો વિસ્ફોટ ભારતીય સમય મુજબ સવારે ૯ કલાકે શાશ દરક વિસ્તારમાં નેશનલ ડાયરેક્ટોરેટ ઓફ સિક્યોરિટીની ઓફિસ પાસે થયો હતો. આ ઘટનાનું મીડિયા કર્મચારીઓ કવરેજ કરવા આવ્યા ત્યારે જ બીજો શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, પરિણામે ૮ મીડિયાકર્મીઓ અને એનડીએસના કર્મચારીઓ ભોગ બન્યા હતા. કંદહારમાં વિદેશી આર્મીના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના કાફલા પાસે જ એક આત્મઘાતી બોંબરે પોતાની જાતને ઉડાવી દીધી હતી, જોકે આર્મીના જવાનોને બદલે નજીકમાં આવેલી મદરેસાના ૧૧ વિદ્યાર્થીઓ તેનો ભોગ બન્યા હતા. અફઘાનના પ્રમુખ અશરફ ગનીએ આ હુમલાને વખોડયો હતો અને કહ્યું કે હુમલાખોરોએ નિર્દોષ નાગરિકો, ખુદાની બંદગી કરનારાને અને પત્રકારોને નિશાન બનાવ્યાં હતાં. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અવરોધો સર્જવાનું કાવતરું
અફઘાનિસ્તાનમાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે તેમાં અવરોધો સર્જવા અને તેનો વિરોધ કરવા આતંકીઓ આમ આદમીને તેમજ અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે. હજી ૨૦ એપ્રિલે જ આતંકીઓએ બાદધિસ ખાતે મતદારોનાં રજિસ્ટ્રેશન સેન્ટર પર રોકેટહુમલો કર્યો હતો જેમાં ૧ પોલીસ સહિત ૬૦થી વધુ નાગરિકોનાં મોત થયાં હતાં.
સંયુક્ત અભિયાનમાં ૩૫ આતંકીઓ ઠાર
અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં અમેરિકા અને અફઘાન સેનાની સંયુક્ત કાર્યવાહીમાં ૩૫ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. વાલિદ-૫ નામનાં આ ઓપરેશનમાં અમેરિકન દળોએ તાલિબાનનાં છુપાવાનાં સ્થળો પર હવાઈહુમલો કર્યો હતો જેમાં અફઘાનસેનાએ સાથ આપ્યો હતો. ચહર બોલાક જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ હતી.
તાજેતરમાં કરાયેલા હિચકારા હુમલા
૨૭ જાન્યુઆરીએ કાબુલમાં જુદા જુદા દેશોની એમ્બેસીના વિસ્તારમાં આતંકી હુમલામાં ૧૩૦ લોકોનાં મોત થયાં હતાં.
૨૪ ફેબ્રુઆરીએ સેનાના કેમ્પ પર ૨૪ કલાકમાં ૪ હુમલા કરાયા હતા, જેમાં ૨૦ જવાનોનાં મોત થયાં હતાં.