ઓપન અંદિજાન ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ
Live TV
-
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૦૧૫-૧૬માં થયેલી ઉઝબેકિસ્તાન યાત્રા અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ પૂર્વેની ભારતયાત્રાથી આ સંબંધોને વધુ નવું બળ અને ઊંચાઈ મળ્યાં છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર એન્દીજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ – ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન – ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ ગૌરવ સહ જણાવ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૦૧૫-૧૬માં થયેલી ઉઝબેકિસ્તાન યાત્રા અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ પૂર્વેની ભારતયાત્રાથી આ સંબંધોને વધુ નવું બળ અને ઊંચાઈ મળ્યાં છે.મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમાં આયોજિત આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ઉપસ્થિતિથી કર્યો હતો.
ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર યોજાઈ રહેલી ઇન્વેસ્ટમેન્ટ સમિટ ‘ઓપન અંદિજાન’ અંતર્ગત અંદિજાન પ્રદેશમાં વેપાર-ઉદ્યોગ અને રોકાણકારો માટે વિશ્વના અન્ય દેશો-પ્રદેશો સાથે વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી ને આ ફોરમમાં ઉપસ્થિત રહેવાના ઉઝબેકિસ્તાન તરફથી મળેલા આમંત્રણનો સ્વીકાર કરી તેઓ ઉદઘાટન સત્રમાં સહભાગી થયા હતાં.
ઉઝબેકિસ્તાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પાર્ટનર કન્ટ્રીઝ તરીકે જોડાયેલું છે ત્યારે અંદિજાન પ્રદેશ, ફેરઘના વેલી રિજિયન સહિતના પ્રદેશો અને ઉઝબેકિસ્તાનમાં ગુજરાતની વાયબ્રન્ટ સમિટની પેટર્ન પર આર્થિક વિકાસ સહિત રોકાણો-ઉદ્યોગો આકર્ષિત કરવા આ ફોરમ ઉપયુક્ત બનશે.મુખ્યમંત્રીએ કહ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આજના સમયમાં અનેક ક્ષેત્રોમાં સહકારિતાનો સેતુ સ્થપાયો છે. રાજકીય, સિક્યોરિટી, ડિફેન્સ, ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ઇકોનોમિક, એનર્જી એન્ડ સાયન્સ ટેક્નોલોજી સહિતના ક્ષેત્રો બે રાષ્ટ્રો વચ્ચે પરસ્પર સહકારના ક્ષેત્રોમાં સમાવિષ્ટ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
વિજયભાઈ રૂપાણીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શવકત મિર્ઝિયોયેવ વચ્ચે નિકટતમ સંબંધો અને મૈત્રીની પરિપાટીએ બેય રાષ્ટ્રો વચ્ચે કોલેબોરેશન અને ઇન્ટરેક્શનના નવા પ્રકરણો આલેખાશે તેમજ નવી તકો પ્રશસ્ત થશે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી.તેમણે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે આના પરિણામે દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ અને દિશા મળશે, અલબત્ત આનો પાયો ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો અને પરસ્પર સદભાવના આધાર પર નખાયો છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી એ ગત વર્ષ ૨૦૧૮માં અંદિજાન-ગુજરાત વચ્ચે પરસ્પર સહયોગ અને ભાગીદારી માટે થયેલા MoUનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે મધ્ય એશિયાના રાષ્ટ્રોમાં રહેલી વિશાળ સંભાવનાઓની ફલશ્રુતિએ ગુજરાતની ઘણી કંપનીઓ, ઉદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઇલ સેક્ટરમાં રોકાણની તકો મળી શકે તેમ છે.
વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ૨૦૧૯ના વાયબ્રન્ટ ગુજરાતમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મિર્ઝિયોયેવની સહભાગિતાથી શરૂ થયેલી મજબૂત વ્યાપારિક સંબંધોની પ્રક્રિયા જૂન ૨૦૧૯માં વિવિધ બિઝનેસ ડેલિગેશનની ઉઝબેકિસ્તાન યાત્રાથી આગળ વધી, અને આજે ઓપન અંદિજાન ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં ગુજરાતની ઉપસ્થિતિ સાથે વધુ એક સીમાચિહ્ન સર થયું છે.
આ ઘટનાક્રમો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાત સરકાર અંદિજાન સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ભારત ૩ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બની ચૂક્યું છે અને ૫ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે, તેવા સમયે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ દ્વારા આરંભાયેલા આર્થિક સુધારાઓના લીધે ઉઝબેકિસ્તાનમાં ઘણાં નવા અવસરો સૃજિત થયા છે. આ પરિસ્થિતિ બંને દેશો માટે વિન-વિન સિચ્યુએશનનું નિર્માણ કરશે.
તેમણે કહ્યું કે ભારત-ઉઝબેકિસ્તાને આર્થિક સંભાવનાઓના અભ્યાસ માટે જોઇન્ટ વર્કિંગ ગ્રૂપની સ્થાપના કરી છે. આ ગ્રૂપ બેય રાષ્ટ્રો વચ્ચે પ્રેફરેન્શિયલ ટ્રેડ એગ્રિમેન્ટની દિશામાં મહત્વપૂર્ણ બનશે.
વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ દર્શાવ્યો કે આ ટ્રેડ એગ્રિમેન્ટ અમલી બનતા બેય દેશોના જુદા જુદા ઉત્પાદનોને એકબીજાના બજારમાં સરળ ઉપલબ્ધતા મળશે.
એટલું જ નહિં, હાલ ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૩૦૦ મિલિયન યુ.એસ. ડોલરનો છે તે વધારીને ૧ બિલિયન યુ.એસ. ડોલર સુધી લઇ જવાના બેય દેશોના વડાઓના લક્ષ્યને પણ પૂર્ણ કરશે.
આ સમિટમાં ઉપસ્થિત રહેલા વિશ્વના અર્થતંત્રોના અગ્રણીઓ, ઉદ્યોગ સાહસિકો અને ઉઝબેકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ ગુજરાતના મુખ્યમંત્રી ના ગુજરાત-ઉઝબેકિસ્તાન – ભારતના સંબંધો વિષયક વ્યક્તવ્યથી પ્રભાવિત થયા હતાં.
ઉઝબેકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર યુત એલ્યોર ગનિયેવે જણાવ્યું કે આ સમિટ કરવાની પ્રેરણા અમને ગુજરાતની વાયબ્રન્ટ સમિટમાંથી મળી છે.
તેમણે સમિટમાં ગુજરાત ડેલિગેશનની ઉપસ્થિતિને પરિણામે આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ – ‘ઓપન અંદિજાન’નું કદ અને પ્રભાવ પણ વધ્યા છે તેનો આનંદ વ્યક્ત કરતા ઉમેર્યું કે ગુજરાત સાથેના ઉઝબેકિસ્તાનના સંબંધો અન્યો માટે ઉદાહરણરૂપ બનશે.અંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવ, ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન, બેલારૂસ ગ્રોડનોની ઇકોનોમિક કમિટીના કાર્યકારી અધ્યક્ષ તેમજ એસોચેમના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. કે. ગોયેન્કા વગેરેએ પણ આ સમિટમાં સંબોધન કર્યાં હતાં.