પીએમ મોદી અને જિનપિંગની વુહાનમાં નૌકાવિહાર થકી ઇસ્ટ લેકની મુલાકાત
Live TV
-
બે દિવસીય ચીન પ્રવાસના ભાગરુપ ગુરુવારે મોડી રાત્રે વુહાન પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે શુક્રવારે મુલાકાત થઈ હતી. શનિવારે બન્ને નેતાઓએ વુહાન ઇસ્ટ લેકની મુલાકાત લીધી હતી. તથા પરંપરાગત ચાઇનીઝ નૌકામાં સરોવરની સહેલ કરી હતી. પીએમ મોદી અને જિનપિંગ વચ્ચેની મુલાકાત શુક્રવારની શિખર મંત્રણા અનૌપચારિક હતી. તેનો એ અર્થ છે કે બન્ને નેતાઓ વિવિધ મુદ્દે ચર્ચા જરુર કરશે પણ તેમની વચ્ચે કોઈ સમજૂતી કે કરાર થશે નહીં. તથા બન્ને નેતાઓ કોઈ સંયુક્ત નિવેદન જાહેર નહીં કરે.
ચીનના ક્રાંતિકારી નેતા માઓત્સે તુંગના મનપસંદ સ્થળ ગણાતા વુહાનમાં મોદી અને જિનપિંગ મળ્યાં હતા. પીએમ મોદીએ જિનપિંગની ભરપુર પ્રશંસા કરી હતી. તથા જણાવ્યું હતું કે, વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ભારત અને ચીન મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. બન્ને નેતાઓએ આર્થિક સહકાર વધારવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. વડાપ્રધાને પંચશીલના સિદ્ધાંતોની જેમ પાંચ સૂત્ર પણ આપ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચેની બેઠકમાં વિવિધ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા થઈ હતી. બાદમાં શનિવારે સવારે પીએમ મોદી અને જિનપિંગે સાથે નૌકાવિહાર કર્યો હતો તથા સાથે ચાની ચુસ્કી માણી હતી.
ઇસ્ટ લેક ગેસ્ટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે, બન્ને દેશ વિશ્વની 40 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આ શિખર મંત્રણા માત્ર બે નેતાઓ વચ્ચેની નથી પણ તેનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. બાદમાં શી જિનપિંગ પીએમ મોદીના માનમાં રાત્રિભોજન યોજ્યું હતું. શી જિનપિંગ 2014માં ભારત આવ્યા ત્યારે અમદાવાદમાં સાબરમતીના તટેથી બન્ને નેતાઓ વચ્ચેની અનૌપચારિક મુલાકાતની શરુઆત થઈ હતી.