Skip to main content
Settings Settings for Dark

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડકદેવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે

Live TV

X
  • હરિયાળી લોકસભા-ગાંધીનગર લોકસભા અંતર્ગત ગાંધીનગર લોકસભાના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના બોડકદેવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાશે. જેમાં તેમની સાથે અમદાવાદના નેતાઓ પણ કાર્યક્રમમાં જોડાશે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના બોડકદેવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે.  જેમાં તેમની સાથે સાથે અમદાવાદના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ જોડાશે. ગઇકાલે ગૃહમંત્રી અમિતભાઇ શાહે તેમના લોકસભા ક્ષેત્રમાં વૈષ્ણોદેવી ખાતે અને ખોડીયાર જંક્શન ખાતે ૪૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ ફ્લાય ઓવર અને છત્રાલ- પાનસર વચ્ચે ૩૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલવે ઓવર બ્રીજ તથા એપીએમસી કલોલના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. અને બાદમાં રૂપાલ તેમજ કોલવડા ખાતેના રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. 

    ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર સંસદિય ક્ષેત્રમાં સરખેજ ગાંઘીનગર હાઇવેની લંબાઇ 44 કિમી જેટલી છે. તે અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયત્નથી રૂપિયા 864 કરોડના ખર્ચે 6 લેન હાઇવે વાળા કુલ 6 બ્રીજ બનનાર છે. તે અંતર્ગત 4 બ્રીજનું કાર્યપૂર્ણ થયું છે અને આજે ૪૫ કરોડના ખર્ચે બનેલ બે બ્રીજનું લોકાર્પણ કરવામાં આવેલ છે.  આ ઉપરાંત એપીએમસી કલોલ ખાતે આવેલ જૂના જર્જરિત વહિવટી મકાનનું આધુનિકરણ કરવામાં આવ્યું છે અને તેમાં ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેનું પણ લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું છે.

    લોકાર્પણ થયેલા વૈષ્ણોદેવી, ખોડીયાર જંક્શનના બંને ફ્લાય ઓવર અને છત્રાલ - પાનસર વચ્ચેના રેલવે ઓવર બ્રીજ થકી નાગરિકોના સમય અને પૈસા ની બચત થશે, પરિવહન ઝડપી બનશે તથા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટશે. વૈષ્ણોદેવી જંકશન પાસે એક બાજુ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ટ્રાફિક અને બીજી તરફ સરદાર રીંગરોડ ટ્રાફિકના કારણે રોજિંદી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળશે. આ ઉપરાંત ખોડીયાર જંકશન પાસે આવેલા કન્ટેનર ડેપો ના કારણે ભારે વાહનોનો ટ્રાફિક સામાન્ય ટ્રાફિકને અડચણરૂપ થતો હતો તે સમસ્યાનો હવે અંત આવશે.

    અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદ - ગાંધીનગર વચ્ચે પરિવહનનો સમય ઘટશે અને આ રસ્તે પસાર થતા એક લાખ જેટલા વાહન ચાલકો અને સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને તેનો સીધો જ લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ દિલ્હી વચ્ચે પેસેન્જર અને માલવાહક ટ્રેન માટે માત્ર એક જ રેલવે ટ્રેક છે. જેના કારણે છત્રાલ - પાનસર વચ્ચે દરરોજ ૨૦થી ૨૨ વખત બંધ થતાં ફાટકના કારણે છત્રાલ તેમજ આજુબાજુના વિસ્તારના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ રેલવે ઓવરબ્રિજના નિર્માણ થકી છત્રાલ પાનસર તેમજ આજુબાજુના નાગરિકોને આ બંધ ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

    અમિત શાહે કહ્યું હતું કે કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં પણ કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારે વિકાસ કાર્યોની આગેકૂચ થંભવા દીધી નથી. કેન્દ્રની ભાજપા સરકારે કોરોના મહામારીનો દરેક મોરચે સામનો અને વિકાસ કાર્યોને પૂર્ણ કરવાના બંને આયામોને એક સરખો ન્યાય આપ્યો છે.

    અમિત શાહે કહ્યું હતું કે મારા સંસદીય ક્ષેત્રમાં આવેલી અંદાજે ૧૨૨ જેટલી હાઉસિંગ કોલોનીઓ પૈકી રી-ડેવલપમેન્ટ માટે આવેલ દરખાસ્તોમાં આવતી પ્રશાસનિક સમસ્યાઓના ઉકેલ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ સાથે પરામર્શ હાથ ધરી અડચણો દૂર થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેના પરિણામે આ ૨૫ વર્ષ જૂની સોસાયટીઓમાં રહેતા ૧૯૦૦૦ જેટલા પરિવારો નવા અને સારા સુવિધાસભર વાતાવરણમાં રહેતા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply