દેશમાં કોરોના સંક્રમણનો સતત ઘટાડો: 81 દિવસ બાદ દૈનિક કેસ 60 હજારથી નીચે
Live TV
-
કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી કરવામા આવી રહેલા સતત પ્રયાસોને પગલે દેશમાં હવે કોરોનાના વધતા કેસોની ગતી ઝડપથી કાબૂમાં આવી રહી છે. દરરોજ નોંધાતા નવા કોરોના સંક્રમિત કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 58 હજાર 419 નવા કોરોના કેસ નોંધાયા છે, ત્યારે 87 હજાર 619 લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે, તેમજ 1,576 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સતત 12 માં દિવસે દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જયારે પોઝિટિવ કેસની સંખ્યામાં 74 દિવસ પછી સૌથી મોટો ઘટાડો આજે જોવા મળ્યો છે.
કોરોના મહામારી સામે રસીકરણ અભિયાનને પણ વેગવંતુ કરવામાં આવ્યું છે. કેન્દ્રિય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ 27 કરોડ 66 લાખથી પણ વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જે પૈકી ગત 24 કલાકમાં 38 લાખ 10 હજાર 572 લોકોને રસી આપવામાં આવી છે અને 18 થી 44 વર્ષની વય ધરાવતા 20 લાખ 49 હજારથી વધુ લાભાર્થીઓએ છેલ્લા 24 કલાકમાં રસીનો પહેલો ડોઝ લીધો હતો. ભારત કોવિડ-19 ની સામેની લડતને મજબૂત કરવા માટે વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યુ છે. જે અંતર્ગત દેશમાં રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા અંતર્ગત 18 થી 44 વર્ષની વયના લોકોને અત્યાર સુધીમાં 5 કરોડ 50 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
