પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "મન કી બાત" કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. આ કાર્યક્રમ મોદી સરકાર 2.0નો આ 25મો અને ઓવરઓલ 78મો એપિસોડ હતો. કાર્યક્રમમાં તેમણે મધ્યપ્રદેશના બેતુલના એક ગામના લોકો સાથે વાત કરી. ગામના લોકોએ તેમને જણાવ્યું હતું કે અહીંયા વેક્સિન બાબતે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી મૃત્યુ થઈ રહ્યું છે. તેમને જવાબ આપતાં પીએમએ કહ્યું કે વેક્સિન અંગે કોઈ ભ્રમ ફેલાવવો ન જોઈએ. મને અને મારી માતાને પણ વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે. તમારા ગામમાં જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે, તેમાં કોઈ સત્ય નથી. આપણા દેશના 20 કરોડથી વધુ લોકોએ આ વેક્સિન લીધી છે. એવું કંઈ જ નથી. તમે પણ વેક્સિન લો. અને બીજાને પણ વેક્સિન લેવા માટે પ્રેરણા આપો.
દેશને સંબોધન કરતાં પીએમએ કહ્યું કે, 'વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન એથ્લીટને કોણ ભૂલી શકે છે. થોડા દિવસ પહેલા જ કોરોનાએ તેમને આપણાંથી છીનવી લીધા.પીએમએ વધુમાં કહ્યું કે જ્યારે તે હોસ્પિટલમાં હતા, ત્યારે મને તેની સાથે વાત કરવાની તક મળી હતી. તેમની સાથે વાત કરતી વખતે, મેં તેમને વિનંતી કરી. મેં કહ્યું હતું કે તમે 1964માં ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેથી આ વખતે જ્યારે આપણાં ખેલાડીઓ ઓલિમ્પિક્સ માટે ટોક્યો જઈ રહ્યા છે, ત્યારે તમારે આપણાં રમતવીરોનું મનોબળ વધારવું પડશે, તેમને તમારા સંદેશથી પ્રેરણા આપવાની છે.
આ પહેલા 30 મેના રોજ મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તે સમયે પીએમએ કોરોનાની બીજી લહેરથી જીતવાનો રસ્તો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે પ્રથમ લહેરમાં પણ સંપૂર્ણ ઉત્સાહ સાથે લડ્યા, આ વખતે પણ વાયરસ સામે ચાલી રહેલી લડાઇમાં ભારત વિજયી બનશે. બે ગજની દૂરી, માસ્ક સંબંધિત નિયમો હોય અથવા વેક્સિન, આપણે ઢીલાપણું રખવાનું નથી. આ અમારા વિજયનો માર્ગ છે. કોરોનાના રૂપમાં આટલી મોટી પરીક્ષા સતત ચાલી રહી છે. આ વૈશ્વિક મહામારી વચ્ચે ભારત સેવા અને સહયોગના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. પોતાની સરકારના 7 વર્ષ પૂરા થવા પર તેમણે કહ્યું હતું કે આ 7 વર્ષોમાં દેશના ઘણા જુના વિવાદો પણ સંપૂર્ણ શાંતિ અને સુમેળ સાથે ઉકેલાયા છે. પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો એક નવો વિશ્વાસ જાગ્યો છે.
