ભારતને ‘ઓરી અને રૂબેલા ચેમ્પિયન’ એવોર્ડ મળ્યો
Live TV
-
આ રોગો સામે લડવામાં તેના અનુકરણીય પ્રયાસો માટે ભારતને પ્રતિષ્ઠિત ઓરી અને રૂબેલા ચેમ્પિયન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 6ઠ્ઠી માર્ચે વોશિંગ્ટનમાં અમેરિકન રેડક્રોસ હેડક્વાર્ટર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વતી રાજદૂત શ્રીપ્રિયા રંગનાથન દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સન્માન જાહેર આરોગ્ય પ્રત્યે દેશની અતૂટ પ્રતિબદ્ધતા અને બાળકોમાં આ ચેપી રોગોના ફેલાવાને રોકવામાં તેના ઉત્કૃષ્ટ નેતૃત્વની ઉજવણી કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અસંખ્ય પડકારોનો સામનો કરવા છતાં, ભારતે ઓરી અને રૂબેલાના કેસોને ઘટાડવામાં અને વ્યાપક હસ્તક્ષેપોની શ્રેણી દ્વારા ફાટી નીકળતા અટકાવવામાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, આ પુરસ્કાર દેશના ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ, હેલ્થકેર પ્રોફેશનલ્સ, પોલિસી મેકર્સ અને દેશભરના સમુદાયોના સમર્પણ અને સખત મહેનતનું પ્રમાણ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રયાસોના પરિણામે 50 જિલ્લાઓમાં સતત કોઈ ઓરીનો કેસ નોંધાયો નથી જ્યારે 226 જિલ્લામાં છેલ્લા 12 મહિનામાં રૂબેલાના કેસ નોંધાયા નથી.
ઓરી અને રુબેલા ભાગીદારીમાં અમેરિકન રેડ ક્રોસ, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF), ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન (GAVI), યુનિસેફ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સહિતની બહુ-એજન્સી આયોજન સમિતિનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ વૈશ્વિક ઓરીથી થતાં મૃત્યુને ઘટાડવા અને રૂબેલા બિમારીને રોકવા માટે સમર્પિત છે.